અંકલેશ્વરમાં આવેલી છે તાલુકા સબજેલ
સબજેલમાંથી મળ્યા 5 મોબાઈલ
રૂ.40 હજારની કિંમતના 5 મોબાઈલ મળી આવ્યા
એસ.ઓ.જી.ના સરપ્રાઈઝ ચેકીંગમાં ફૂટયો ભાંડો
એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો ગુનો
ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને પાંચ જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા છે.પોલીસે ચેકીંગ દરમ્યાન જેલર વિપુલ સોરઠીયાની ઓફિસની પહેલા આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોઅરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.પોલીસે રૂ.40 હજારની કિંમતના કુલ 5 મોબાઈલ કબ્જે કર્યા હતા.પોલીસે આ મામલામાં એન.ડી.પી.એસ.એકટના ગુનામાં સંડોવાયેલ ચિંતન પાનસુરીયા, અપહરણના ગુનામાં સંડોવાયેલ ભૌતિક લુણગરીયા,વિપુલ ભાદાણી, દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પાસે મોબાઇલ ક્યાંથી આવ્યા તે એક તપાસનો વિષય છે ત્યારે આ મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે