ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં વરસાદની મોસમમાં તમામ જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે, ત્યારે ખરાબ રોડ-રસ્તાના મુદ્દે જાણીતા એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. રોડસ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિ-પ્રેન્ટેટીવ સ્યુટ દાખલ કરવામાં આવી છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆત થતાંની સાથે જ તમામ રોડ-રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે, અને દિનપ્રતિદિન બિસ્માર બનતા માર્ગના પરિણામે ટ્રાફિકજામની સમસ્યા તેમજ વાહનોમાં નુકશાન થવાની ઘટનાઓ બની રહી છે. અંકલેશ્વરમાં પણ તમામ મુખ્ય રસ્તાઓ બિસ્માર બન્યા છે. જે ઉબડ-ખાબડ રસ્તાઓથી વહીવટી તંત્ર પણ અજાણ નથી. અત્યંત બિસ્માર રોડ-રસ્તાના મુદ્દે અપક્ષ-વિપક્ષ સહિત અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ, બિસ્માર માર્ગથી અનેક વાહનચાલકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે.
જોકે, તંત્રના બહેરા કાને લોકોની વેદનાનો અવાજ સંભળાય તે માટે અંકલેશ્વરના પૂર્વ જોઈન્ટ ડિસ્ટ્રીક્ટ જજ અને એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા અંકલેશ્વર કોર્ટમાં ખરાબ રોડ-રસ્તાના મુદ્દે અરજી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ કાદરીએ રાજ્યના રોડસ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિ-પ્રેન્ટેટીવ સ્યુટ દાખલ કરી છે, અને કોર્ટ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવે તેવી શક્યતા વર્તાય રહી છે. આ ઉપરાંત એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા ગુજરાત માનવ અધિકાર પંચને પણ બિસ્માર રોડ-રસ્તાઓ બાબતમાં R&B વિભાગ સામે પગલાં ભરવા માટે રજુઆત કરવાની કવાયત હાથ ધયાર છે. વધુમાં એડવોકેટ સજ્જાદ કાદરીએ ભરૂચ, ઝઘડીયા, વાગરા સહિત જિલ્લાના તાલુકાઓમાં ખરાબ રોડ-રસ્તા મુદ્દે અરજી દાખલ કરવા માટેની પણ તૈયારી દર્શાવી છે.