અંકલેશ્વરમાં આજથી હેલમેટ ફરજિયાત, પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી, વાલીયા ચોકડી તેમજ શહેરી વિસ્તારોમાં ભરૂચીનાકા ચૌટાનાકા અને ત્રણ રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસની વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુવહીલર ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી ₹500નો દંડ વસૂલ કર્યો હતો જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આજથી અંકલેશ્વરમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના કારણે દરેક લોકોને હેલ્મેટ પહેરવા માટે પોલીસે અનુરોધ કર્યો છે.
અકસ્માત સહિતના કિસ્સાઓમાં હેલ્મેટ ન પહેરવામાં મૃત્યુનું જોખમ વધી જતું હોય છે જેના કારણે રાજ્યના પોલીસવડાની સૂચનાના આધારે પહેલા સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય વ્યક્તિઓ માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.