અનિયમિત વીજ પુરવઠાથી રોષ
સ્થાનિકો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી
રાતે જંગલી જાનવરનો પણ રહે છે ડર
સિંચાઇના પાણી માટેની સર્જાય છે સમસ્યા
DGVCLમાં રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,તેમજ ખેડૂતોને પણ સિંચાઈ માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં આવેલ વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયાના પગલે સ્થાનિકો સહિત ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, અહીં વીજ પુરવઠો સમયસર નહીં મળતા ખેડૂતોને સિંચાઇનું પાણી મેળવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે. રાત્રી દરમિયાન જ વીજ પુરવઠો ખોરવાતા અંધકારમાં જંગલી જાનવરનો પણ તેઓને ભય સતાવી રહ્યો છે.જોકે વીજ કંપનીના ધાંધિયા સામે જીતાલી ગામના સિમ વિસ્તારમાં રહેતા સ્થાનિકો સહિત ખેડૂતો સોલાર પેનલ મારફતે વીજળી લેવા મજબૂર બન્યા છે.
આ મામલે ખેડૂતોએ દક્ષિણ ગુજરાત વીજ નિગમની કચેરી ખાતે વારંવાર રજૂઆત કરી છે.તેમ છતાં આજદિન સુધી તેમની આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, ત્યારે હાલ તો અહીંના ખેડૂતો અને સ્થાનિકોને વહેલી તકે તેમજ સમયસર વીજળી મળે તેવી માંગ ઉઠી છે.