-
અંકલેશ્વરમાં બન્યો હતો ચકચારી બનાવ
-
નહેરમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાયું હતું
-
સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ પૂર્ણ કરાય
-
5 દિવસ બાદ નહેરમાં પાણી પુરવઠો શરૂ કરાયો
-
અત્યાર સુધી 5 લોકોની થઈ છે ધરપકડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં હેઝાર્ડસ વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. જોકે, નહેરની સાફ સફાઈ થતા આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે નગરપાલિકા દ્વારા પાણીની યોગ્ય તપાસ બાદ શહેરીજનોને પાણી પુરવઠો આપવામાં આવશે. તો બીજી તરફ, આ મામલે કસૂરવાર ઉદ્યોગ સંચાલકો સામે સામાજિક કાર્યકર્તા દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ગત તારીખ 14 ફેબ્રુઆરીએ નહેરનું પાણી અચાનક લીલા રંગનું બનવા સાથે માછલીઓ ટપોટપ મરવા લાગતા ચિંતા સાથે નહેર વિભાગ, નોટીફાઈડ એરિયા ઓથોરીટી અને નગરપાલિકાએ તપાસ શરૂ કરી હતી. બાકરોલ નજીક નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠલવાયું હોવાનું બહાર આવતા પોલીસ તપાસ શરૂ કરાઈ હતી.
આજે 5 દિવસ બાદ નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરી શકાયો છે. આ દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી અને કેમિકલ ન હોવાની ખાતરી થતાં પુન: પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે.બીજી તરફ જીપીસીબીએ પણ કડકાઈનો કોરડો વીંઝ્યો છે.
જીપીસીબીએ નહેરમાં કેમિકલ ઠાલવનાર કંપની કયૂ.સી.લેબ પ્રાઈવેટ લિમિટેડને કલોઝર નોટિસ ફટકારી 25 લાખનો દંડ ચૂકવવા આદેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે કંપનીના કર્મચારીઓ સહિત અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરાઈ છે. આગામી દિવસમાં આ મામલામાં સંડોવાયેલ અન્ય લોકોની પણ ધરપકડ થઈ શકે છે.
જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે,ત્યારે અંકલેશ્વર નગરજનોએ પાણી માટે હજી થોડો સમય રાહ જોવી પડશે,નગરપાલિકા દ્વારા ગામ તળાવમાં પાણી પુરવઠો મળ્યા બાદ પાણીની યોગ્ય રીતે ચકાસણી કરીને પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ અંકલેશ્વરના ઉમરવાડા ખાતે રહેતા સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી જુનેદ યુસુફ પાંચભાયા દ્વારા પણ જિલ્લા કલેકટર,પોલીસ તંત્ર તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં અરજી કરીને રજૂઆત કરી છે,જેમાં તેઓએ નહેરના પાણીમાં ઝેરી કેમિકલ ઠાલવનાર તત્વો અને જવાબદાર કયુ.સી.લેબ પ્રા.લી.ના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે,વધુમાં તેઓએ કંપનીનું લાઇસન્સ પણ રદ કરવા માટે રજૂઆત કરી છે.