-
વાગરા-સારણ માર્ગ પર વાગરા પોલીસનું પેટ્રોલીંગ
-
દેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 બુટલેગર ઝડપ્યા
-
કાર સહિત રૂ. 4.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
-
દારૂ ભરી આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરાયો
-
ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
ભરૂચ જિલ્લાના વાગરા-સારણ માર્ગ પરથી દેશી દારૂના જથ્થા સાથે પોલીસે વાંસી ગામના 2 બુટલેગરને લાખોના રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો. તે દરમિયાન વાગરાથી સારણ રોડ પર દારૂ ભરેલ ઇકો કાર ઊભી હોવાની બાતમી મળી હતી. જેથી વાગરા પોલીસ તાત્કાલિક બાતમીવાળા સ્થળે જઈ તપાસ કરતાં GJ-16-DP-0681 ઇકો કાર નજરે પડી હતી. જેમાં 2 લોકો સવાર હતા. પોલીસે તેમનું નામઠામ પૂછતા વાંસી ગામના ધર્મેશ મનુ વસાવા તેમજ અરવિંદ રતિલાલ વસાવા હોવાનું જણાવ્યુ હતુ. જે બાદ બન્નેને સાથે રાખી ઇકો કારમાં તપાસ કરતા પાછળના ભાગે 25 લિટરના 10 પ્લાસ્ટિકના કારબા તેમજ એક પ્લાસ્ટિકની થેલીમાં 10 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે કુલ 260 લીટર જેની કિંમત રૂ. 52 હજાર તેમજ રૂ. 4 લાખની ઇકો મળી રૂ. 4 લાખ 52 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલો દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો. તે અંગે પોલીસે બન્ને ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ આ દારૂનો જથ્થો ચાવજ ગામના સંતોષ જીવણ વસાવાએ ભરી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ સાથે જ પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી ત્રણેય ઈસમો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.