વરસાદમાં રસ્તાની ખસ્તા હાલત
જાહેર માર્ગો પર સર્જાયુ ખાડાનું સામ્રાજ્ય
નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ બન્યો બિસ્માર
રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા ચર્ચાતો પ્રશ્ન?
ખાડાના પગલે વાહનચાલકોમાં અકસ્માતનો ભય
ભરૂચમાં વરસાદની મોસમ સાથે જ જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ભરૂચ શહેરના મુખ્ય માર્ગો જેવા કે શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર મોટા ખાડા અને ઉંડા ભુવા સર્જાયા છે.જેના કારણે વાહનચાલકોને પોતાના જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે.રાત્રીના સમયે ભારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જતા રસ્તાઓ અદ્રશ્ય બની જાય છે. જેના કારણે વાહનચાલકો માટે દિશા નક્કી કરવી મુશ્કેલ બની જાય છે. શાળાની નજીક પાણી ભરાતા કેટલીક વાર વાહનો ખાડામાં ફસાઈ જતા હોવાની ઘટના પણ સામે આવી છે.
જ્યારે બીજી ગંભીર સ્થિતિ નંદેલાવ ઓવરબ્રિજની છે, જ્યાં દર વર્ષે વરસાદ શરૂ થતાની સાથે જ રસ્તાની ઉપરની સપાટી ખરાબ થઇ જાય છે અને ખાડા પડે છે. ખાડામાં વાહન ખાબકતા નુકસાનની સાથે મેન્ટેનન્સ વધી જાય છે,અને અકસ્માતનો ભય પણ ઉભો થાય છે.સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરાયો છે. તેમની માંગ છે કે ચોમાસાની દરેક ઋતુમાં કરોડો રૂપિયાના ખર્ચે જે ખાડા પુરવાના કામો થાય છે, એ કાગળ પર પૂરતા ન રહે અને સ્થળ પર અસરકારક રીતે કામગીરી દેખાય તે જરૂરી છે.
દર વર્ષે આવા જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ થઈ જાય છે અને 10 મિનિટનો રસ્તો ક્યારેક 1 કલાકનો બની જાય છે. તંત્રએ સ્થાયી ઉકેલ લાવવો જોઈએ, એવી રજૂઆત નાગરિકો તરફથી કરવામાં આવી છે.શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ દહેજ જીઆઈડીસી અને મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વેને જોડતો મહત્વનો માર્ગ હોવાથી પણ તાત્કાલિક પગલાં લેવા નાગરિકો માંગ કરી રહ્યા છે.