ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા સામે સવાલ
ઝઘડીયાGIDCમાં આવેલ વેલ્સપન કંપનીની ઘટના
કલરકામ કરતોકામદાર નીચે પટકાતા મોતને ભેટ્યો
વાલિયાના ગુંદિયા ગામના યુવકનું અકાળે મોત થયું
ઝઘડીયાGIDC પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય
ભરૂચ જિલ્લાની ઝઘડીયાGIDCમાં આવેલ વેલ્સપન કંપનીમાં કલરકામ કરતા કામદાર યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઝઘડીયાGIDC પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાની ઝઘડીયાGIDCમાં આવેલ વેલ્સપન કંપનીમાં વાલિયા તાલુકાના ગુંદિયા ગામના દવાખાના ફળિયામાં રહેતો 24 વર્ષીય યુવક રમિતકુમાર રવિન્દ્રભાઈ વસાવા કલરકામ કરતો હતો. જોકે, કલરકામ કરતી વેળા અચાનક રમિત વસાવાનો પગ લપસી જતા પ્લેટફોર્મ પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવના પગલે ઇજાગ્રસ્ત રમિત વસાવાને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવના પગલે ઝઘડીયાGIDC પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો આ તરફ, મૃતકના પરિવારજનોએ યોગ્ય વળતરની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝઘડીયા ઓદ્યોગિક વસાહતમાં અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે, જેમાં કેટલીક વખત કામદારો સહિત કર્મચારીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે, ત્યારે ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સલામતીના સાધનો વગર કામગીરી નહીં કરવા દેવી જોઈએ. જેથી કોઈપણ બેદરકારીના કારણે કોઈને પણ મોતને ભેટવાનો વારો ન આવે. તો બીજી તરફ, સેફ્ટી ઇન્સ્પેક્ટર આવી કંપનીઓ સામે લાલ આંખ કરે તે પણ અત્યંત જરૂરી બન્યું છે.