-
ઝઘડીયાના જુના તોથીદ્રાની ગૌચરની જમીનનો મામલો
-
ગૌચર જમીન પર થઈ રહ્યું છે ગેરકાયદેસર રેતી વહન
-
ભાલોદમાં ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા માંગ
-
આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરાય
-
આવેદન પત્ર આપી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામે ગૌચરની જમીન પરથી થતું ગેરકાયદે રેતી વહન અટકાવવા અને ભાલોદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા કેટલા સમયથી નર્મદા નદીના પટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામની હદમાં આવતા નદી પટના વિસ્તારમાંથી ગેરકાયદે રેતી ખનન કરી ગામના ગૌચરમાંથી રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત-દિવસ પસાર કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેના કારણે ગામમાં રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકશાન પહોચતા ખેડૂતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સાથે જ રસ્તા પર ટ્રાફિકની સમસ્યાથી લઈને અકસ્માતો પણ અવારનવાર બનતા રહે છે. ભાલોદ ગામમાં કેટલાક માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદે કબજો કરી ગૌચરની જમીનો પચાવી હોવાનો આક્ષેપ થયો છે. ગામમાં ગૌચરની જમીન પણ ગેરકાયદેસર દબાણોના કારણે લુપ્ત થવા પામી છે. સમગ્ર મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વહેલી તકે તોથીદ્રા ગામની ગૌચરની જમીનોને ખાલી કરાવી દબાણો દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.