-
ભરૂચ જિલ્લામાં ટ્રાફિકજામનો અજગરી ભરડો
-
નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ
-
શહેરી વિસ્તારોમાં પણ વાહનોની કતાર
-
સમસ્યાના નિરાકરણમાં એક્સન પ્લાનની જરૂરી
-
ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન
ઔદ્યોગિક વિકાસના ધમધમાટ વચ્ચે ભરૂચ જિલ્લો ટ્રાફિકજામના અજગરી ભરડામાં ભેરવાયો છે. ટ્રાફિકજામની વર્ષોજૂની સમસ્યાથી અનેક વાહન ચાલકો પરેશાન બન્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 હોય કે પછી ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારોના માર્ગો પર વાહનોની લાંબી લાઈન લાગે છે ત્યારે લોકોના સમય સાથે રાષ્ટ્રીય સંપતિ એવા ઇંધણનો પણ વ્યય થઈ રહ્યો છે. ટ્રાફિકજામ માટે કુખ્યાત ભરૂચને આ સમસ્યામાંથી મુક્તિ મળવી જોઈએ
ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી રહેલ ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક પ્રશ્ન હતી વિકટ બની રહ્યો છે અને આ પ્રશ્ન છે ટ્રાફિક જામનો ભરૂચ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 હોય કે ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારો હોય જ્યાં નજર કરો ત્યાં મોટાભાગના સમય માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે આ ટ્રાફિક જામમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે અને વાહન ચાલકોના કલાકના કલાકો વેડફાઈ જાય છે સુરત અને વડોદરા જેવા મહાનગરોની વચ્ચે આવેલા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ તો ઘણો થયો જેના કારણે અન્ય રાજ્ય અને જિલ્લાઓમાંથી પણ લોકો ભરૂચ આવીને વસ્યા છે પરંતુ સમયની સાથે સાથે પ્રાથમિક સુવિધાઓમાં વધારો ન થતાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સૌ પ્રથમ વાત કરીએ ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિની...
ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ત્રણ ખાડી બ્રિજ આવે છે. જેમાં પાલેજ નજીક આવેલ ભુખી ખાડી, અંકલેશ્વર નજીક આવેલ અમરાવતી ખાડી અને સુરત તરફ જતા વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી. આ ખાડી પર બ્રિજ બનાવવામાં આવ્યા છે પરંતુ ફોરલેન હાઇવે પરથી પૂરઝડપે પસાર થતા વાહનોની ગતિ આ ખાડી બ્રિજ પર અવરોધાઈ જાય છે કારણ કે આ ત્રણેય બ્રિજ અતિ સાંકડા છે જેના કારણે બોટલ નેટ માર્ગ નિર્માણ થાય છે.માર્ગ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે અને ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને અનેક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગે છે જેની પાછળનું અન્ય એક કારણ બિમાર માર્ગો પણ છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઇવેનો માર્ગ બિસ્માર છે જેના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ સુધીનો પોર્શન શરૂ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકો ભરૂચ શહેરમાંથી પસાર થઈ દહેગામ નજીકથી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરે છે.એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતાં તમામ વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે જેના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
ભરૂચ અને અંકલેશ્વરનો ઔદ્યોગિક વિકાસ તો થયો પરંતુ પ્રાથમિક સુવિધાઓનો હજુ પણ અભાવ જોવા મળી રહ્યો છે. અન ઇવન ટોપોગ્રાફી ધરાવતા ભરૂચના રસ્તાઓ સાંકડા છે અને તેના પર પણ આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બીજી તરફ શ્રવણ ચોકડી નજીક બની રહેલા ઓવરબ્રિજની મંદગતિએ ચાલતી કામગીરી પણ ટ્રાફિકજામ માટે એટલી જ કારણભૂત છે.
ભરૂચમાં ચોમાસાના સમયમાં બિસ્માર બનેલા માર્ગોના સમારકામની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી મોટાભાગે દિવસના સમયે જ કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.માર્ગના સમારકામની કામગીરી રાત્રીના સમય દરમિયાન કરવામાં આવે તો વાહન વ્યવહારને એટલી અસર ન પહોંચે.
ભરૂચ જિલ્લામાં બકરી રહેલી ટ્રાફિકજામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે પોલીસ વિભાગે પણ કવાયત હાથ ધરી છે આ અંગે ટ્રાફિક વિભાગના પીઆઇ બીએલ મહેરિયાએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ટ્રાફિકજામ બધું થતો હોય એવા સ્પોટ ને આઈડેન્ટીફાય કરી ત્યાં પોલીસ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.આવા સ્થળોએ પોલીસના જવાનો ટ્રાફિકનું નિયમન કરે છે. આ ઉપરાંત ઘણીવાર અકસ્માતના કારણે પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે નેશનલ હાઇવે પર આવેલી તમામ હોટલના માલિકોને નોટિસ આપી અકસ્માતની જાણ તરત જ પોલીસને કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી કરીને પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવી શકાય.
વિકસતા જતા ભરૂચમાં વાહનોની સંખ્યા પણ એટલી જ વધી છે પરંતુ તેની સામે પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી ટ્રાફિકજામની પરિસ્થિતિ વકરી રહી છે ત્યારે આ બાબતે સરકારે એક્શન પ્લાન બનાવી ભરૂચ અને અંકલેશ્વર વાસીઓ ઉપરાંત હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને અજગરી ભરડા સમાન ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળે તેવા પગલા ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.