વેપારીને થયો નકલી SOGનો ભેટો
વેપારીનું મહિલા મિત્ર સાથે કર્યું અપહરણ
અપહરણ કરીને રૂ.4.50 લાખની ખંડણી વસૂલી
આરોપીઓએ SOGમાં હોવાની ઓળખ આપી
માંજલપુર પોલીસે ગુનો નોંધીને શરૂ કરી તપાસ
ભરૂચ કપડાનો વેપારી તેની મહિલા મિત્ર તેમજ અન્ય એક મિત્ર વડોદરા આવ્યા હતા.ત્યાંથી પરત ફરતી વેળાએ માર્ગમાં એક કાર દ્વારા તેમની કારને રોકવામાં આવી હતી,અને અપહરણ કરીને રૂપિયા 4.50 લાખની ખંડણી વસૂલવામાં આવી હતી.અપહરણકર્તાઓએ પોતાની ઓળખ અમદાવાદ SOG પોલીસ તરીકે આપી હતી.
ભરૂચના વેપારી અફવાન પોતાની મહિલા મિત્ર અને અન્ય મિત્ર સાથે ગત 12 નવેમ્બરના રોજ સવારે એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશનના કામ અર્થે ઈનોવા લઈને આવ્યા હતા.મહિલા મિત્રનું એડમિશનનું કામ પૂર્ણ થતાં પરત ભરૂચ જવા દોઢ વાગે નીકળ્યા હતા. આ દરમિયાન એમની ઈનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલાં એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઊભી રખાવી હતી. અને પોતાની ઓળખ અમદાવાદ SOG પોલીસ તરીકે આપી હતી.અને બાદમાં વેપારીના ડ્રાઈવરને કાર અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર થઈ લઈ લેવા જણાવ્યું હતું અને રસ્તામાં પોતે અમદાવાદ એસ.ઓ.જીના જવાનો છીએ અને તું ખોટા કામ કરે છે,તેમ જણાવીને ખંડણીની માંગણી કરી હતી.અને અમારા પીઆઈ તને ઊંધો લટકાવીને મારશે તેવી ધમકી આપીને રૂપિયા 4.50 લાખ વસુલ કર્યા હતા.
રૂપિયા 4.50 લાખ મળી ગયા બાદ નકલી એસ.ઓ.જી બનેલા ખંડણીખોરોએ અફવાનને છોડી દીધો હતો.જોકે આખી ઘટનામાં નકલી પોલીસ બનેલા લોકો ઉપર શંકા જતા માંજલપુર પોલીસ મથકે પહોંચી અફવાને ફરિયાદ નોંધાવી હતી.માંજલપુર પોલીસ મથકે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ છે,જેની તપાસ શરૂ કરવામાં આવી છે.