ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતીને પહોચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે, ત્યારે શહેરના વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત પોલીસ જવાનો ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં નજરે પડ્યા હતા.
ભરૂચ શહેર અને જિલ્લા માટે ટ્રાફિકનો પ્રશ્ન જાણે સામાન્ય બની ગયો છે. પછી તે નેશનલ હાઇવે હોય કે, શહેરના માર્ગો હોય. ગત 2 દિવસ ભરૂચ શહેરમાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે શહેરના સેવાશ્રમ રોડ, કસક સર્કલ સહિતના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ધોવાઈ જતાં વધુ એકવાર લોકોને ટ્રાફિકજામનું ગ્રહણ નડ્યું છે. તેવામાં આજે ઉઘાડ નીકળતા પોલીસ તંત્ર સાબદું બની ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે કામે લાગ્યું છે. વહેલી સવારથી જ ટ્રાફિકજામની પરિસ્થિતીને પહોચી વળવા શહેરના કોલેજ રોડ તેમજ કસક સર્કલ સહિતના વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત થઈ ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં નજરે પડ્યા હતા. તો બીજી તરફ, લોકો પણ સાથ સહકાર આપે તેવી પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.