New Update
ચોમાસામાં ભરૂચ જિલ્લાના માર્ગો બન્યા બિસ્માર
બિસ્માર માર્ગોના પગલે કોંગ્રેસનું હલ્લાબોલ
કલેકટર અને માર્ગ-મકાન વિભાગમાં કરાય ઉગ્ર રજુઆત
7 દિવસનું આપવામાં આવ્યું અલ્ટીમેટમ
માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોના આગામી 7 દિવસમાં સમારકામની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનોએ કલેકટર અને માર્ગ-મકાન વિભાગના વડાને ઉગ્ર રજુઆત કરી હતી
ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગો, નગરપાલિકાના રસ્તાઓ અને અનેક બ્રિજોની દયનીય હાલત સામે યુવા કોંગ્રેસે ઉગ્રસ્વરૂપે રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચ શહેરમાં યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ અને સંદીપ માંગરોળાના નેતૃત્વમાં કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્ર સાથે યુવા કાર્યકરોએ સૂત્રોચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રને ચેતવણી આપી કે ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે બનતી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે માર્ગોના નિર્માણ અને સમારકામના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. પરિણામે નવા બનેલા રસ્તાઓ પણ વરસાદ શરૂ થતા જ તૂટી પડે છે. રોડ પર પડેલા ખાડાઓ વાહનચાલકોના જીવ માટે જોખમરૂપ બની રહ્યા છે. આ કારણે રોજ કોઈને કોઈ અકસ્માત બને છે ત્યારે જિલ્લાભરના માર્ગો અને બ્રિજોની કામગીરી સાત દિવસની અંદર પૂર્ણ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે.
આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રોનક શાહે મીડિયાને જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં માર્ગ અને બ્રિજોની હાલત જાણીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેટલાક માર્ગો પર કામ શરૂ થઇ ગયેલું છે અને ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે