ભરૂચના વાલિયા નજીકનો બનાવ
કીમ નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાયું
સ્ટેટ હાઇવે પરનો વાહન વ્યવહાર પ્રભાવિત
વારંવાર સર્જાતી પરિસ્થિતિના કારણે વાહનચાલકો પરેશાન
બ્રિજનું નિર્માણકાર્ય વહેલી તકે શરૂ કરવામાં આવે એવી માંગ
ભરૂચના વાલીયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર વાલીયાના ડહેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસેલ અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નિરની આવક થઈ હતી જેના પગલે ડહેલી ગામ નજીક સ્ટેટ હાઇવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સિઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળ્યા હતા ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. વાહનચાલકોને 7 કી.મી.નો વધુ ફેરાવો ફરવાનો વારો આવ્યો છે.પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જેનાથી વાહન વ્યવહાર થંભી ગયો છે.
ડહેલી ગામ નજીક 70 વર્ષ જૂનો જર્જરીત બ્રિજ આવેલો છે. આ બ્રિજના નિર્માણની મંજૂરી પણ મળી ગઈ છે આમ છતાં નિર્માણ કાર્ય શરૂ ન થતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આ પરિસ્થિતિના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અન્ય બ્રિજોને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે ત્યારે મોટા વાહનો માટે આ એકમાત્ર વિકલ્પ હતો જે પણ ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.