/connect-gujarat/media/media_files/2026/01/05/acdsdwdd-2026-01-05-15-46-11.png)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે.
સિલુડી ચોકડી નજીક બાઈક ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા તેઓનું સારવાર મળે તે પહેલાં કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે વાલિયા-નેત્રંગ માર્ગ પર ડુંગેરી ફળિયા સામે રાહદારીને કાર ચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી અલગ અલગ અકસ્માતોની 2 ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, વાલિયા તાલુકાના વટારીયા ગામના દરગાહ ફળિયામાં રહેતા 65 વર્ષીય ભરતભાઈ હિંમતલાલ જવેરી ગત રવિવારની મોડી સાંજે પોતાની વાલિયાની સિલુંડી ચોકડી પાસે આવેલ બાપા સીતારામ મંદિર સામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા બાઈક ચાલકે માર્ગની બાજુમાં ચાલતા ભરતભાઇ જવેરીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલાં જ વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું.
તો બીજી તરફ, વાલિયા-નેત્રંગ માર્ગનું નવીનીકરણ થતા કેટલાક વાહન ચાલકો બેદરકારી પૂર્વક શિવ દર્શન સોસાયટી, રામેશ્વર સોસાયટી અને ડુંગેરી ફળીયા પાસે માર્ગ ઉપર જ વાહનો પાર્ક કરતા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગત રવિવારની રાતે 8:40 કલાકે વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર ડુંગેરી ફળિયાની સામે કાર ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.