New Update
/connect-gujarat/media/media_files/2025/02/02/cnDu3wLrrVpLzrovX3F4.jpg)
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બે ઇસમો એક વૃદ્ધ મહિલાના સોનાના રૂપિયા 1.80 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામે અંકલેશ્વર રોડ પર રહેતા જ્યોતિ ઇશ્વરભાઇ દેસાઇ નામના 68 વર્ષીય મહિલા તેમના ઘરે એકલા રહે છે.તેમની પાસે બે તોલા વજનનો સોનાનો દોરો અને ત્રણ તોલા વજનના સોનાના પાટલા હતા,જે તેઓ પહેરી રાખતા હતા.ગતરોજ તારીખ 1 ફેબ્રુઆરીના રોજ જ્યોતિબેન બપોરના બાર વાગ્યાના અરસામાં બેંકના કામ માટે નેત્રંગના જીન બજાર ખાતે આવેલ બેંકમાં ગયા હતા.
બેંકનું કામ પતાવીને તેઓ ચાલતા ચાલતા ઘરે પાછા જતા હતા,તે દરમિયાન એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવ્યો હતો અને તેણે પોતે પોલીસ હોવાનું જણાવી કહ્યું હતું કે આજે એક બહેનની સોનાની ચેઇન કોઇ લઇને જતું રહ્યું હોવાથી તેની તપાસ માટે અમને ઉપરથી અહિંયા મોકલેલ છે.તેમ કહીને તે ઇસમે જ્યોતિબેનને વિશ્વાસમાં લઈને તેમણે પહેરેલા સોનાના દાગીના પાકીટમાં મુકી દેવા જણાવ્યું હતું.
જ્યોતિબેને આ અજાણ્યા ઇસમની વાતોમાં આવી જઈને તેમણે પહેરેલા દાગીના પોતાના પાકીટમાં મુકી દીધા હતા.ત્યારબાદ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર અજાણ્યા ઇસમે જ્યોતિબેને દાગીના બરાબર પાકીટમાં મુક્યા છે કે કેમ તે જોવાનું કહીને જ્યોતિબેન પાસે પાકીટ માંગ્યું હતું.તેથી જ્યોતિબેને તેને પાકીટ આપતા તે ઇસમે પાકીટ ચેક કરીને જ્યોતિબેનને પાછું આપી દીધું હતું.
ત્યારબાદ એક બીજો અજાણ્યો ઈસમ મોટરસાયકલ લઈને આવતા આગળ આવેલ ઈસમ ફટાફટ મોટરસાયકલ પર બેસી ગયો હતો અને તે લોકો ત્યાંથી નીકળી ગયા હતા.ત્યારબાદ જ્યોતિબેનને શક જતા તેમણે પાકીટ ખોલીને જોયું તો તેમાં સોનાનો દોરો હતો પણ પાટલા (બંગડી) ગાયબ હતા.
જ્યોતિબેન મોટરસાયકલ પર ભાગતા ઇસમોની પાછળ બુમો પાડતા દોડવા લાગેલ પરંતુ તેઓ ઉભા રહ્યા નહતા.આ ઘટનામાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર અજાણ્યા બે ઇસમો જ્યોતિબેનને વિશ્વાસમાં લઇને રૂપિયા1.80 લાખની કિંમતના સોનાના પાટલા લઇને ફરાર થઇ ગયા હતા,જે અંગે નેત્રંગ પોલીસે જ્યોતિબેન દેસાઇની ફરિયાદ મુજબ ઉપરોક્ત બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
Latest Stories