ભરૂચ જિલ્લાનું કબીરવડ એક સમયે સહેલાણીઓ માટે પ્રવાસ અર્થેનું પ્રથમ હરોળમાં આવતું ધાર્મિક સ્થળ હતું,પરંતુ તેની સ્વચ્છતા અને સુવિધાઓમાં ઉણપથી આજે સંત કબીરનું આ પવિત્રધામ ભેંકાર ભાસી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના કબીરવડ પાવન શલીલા મા નર્મદા નદીના કિનારે અને ટાપુ સમાન ધાર્મિક પવિત્ર સ્થળ છે.જ્યાં દૂર દૂરથી સહેલાણીઓ પ્રવાસની મોજ મજા માણવા માટે આવે છે,પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળ પ્રત્યેની તંત્રની ઉદાશીનતાએ કબીરવડની ઓળખ હવે ભૂંસાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.ભરૂચથી અંદાજીત 16 કિલોમીટરના અંતરે આવેલું અને નર્મદા નદી કિનારે વસેલું વડની વડવાઈઓથી વૃક્ષ વાટિકામાં ફેરવાયેલુ કબીરવડ સ્થાન પર સંત કબીરનું મંદિર આવેલું છે,હોડી ઘાટ પરથી નાવડીમાં બેસીને પ્રવાસીઓ વટવૃક્ષની છાયામાં પ્રવેશ કરીને સંત કબીરના દર્શન કરી શકે છે.અને નર્મદા નદીમાં સ્નાન કરવાનો પણ પ્રવાસીઓ લુફ્ત ઉઠાવે છે.
પરંતુ વર્તમાન સમયમાં કબીરવડ પ્રત્યેની તંત્રની ઉદાસીનતા ઉડીને આંખે વળગી રહી છે,જ્યાં સ્વચ્છતા અને શૌચાલય સહિતની પાયાની સુવિધાનો અભાવ મુલાકાતીઓને નિરાશ કરી રહ્યા છે.એક સમય હતો જ્યારે દિવાળી કે ઉનાળુ વેકેશનમાં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કબીરવડમાં ઉમટી પડતા હતા,જોકે સમયાંતરે જાળવણીના અભાવે હવે કબીરવડની મુલાકાત લેતા પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે,અને પ્રવાસીઓ પણ સુવિધામાં વધારો કરવા માટેની માંગ કરી રહ્યા છે.