-
જંબુસરની RTPCR લેબમાં થઈ હતી ચોરી
-
લેબમાંથી AC અને લેપટોપની ચોરીનો મામલો
-
ચોરી મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી
-
રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
-
પોલીસે તસ્કરોનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરી કરનાર 2 તસ્કરોનું પોલીસે સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે RTPCR લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી.
જેમાં રહેલ 6 AC તેમજ લેપટોપની ચોરી થતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ જંબુસર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી.
તે દરમ્યાન બાતમીના આધારે જંબુસરના મુબારક ઈસ્માઈલ મલેક તથા અનસ પટેલને પોલીસ મથકે લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
મુબારક મલેક AC રીપેરીંગ તેમજ જુના AC લે-વેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 AC પૈકી 4 AC રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળીયામાં એક લીનોવો કંપનીનું લેપટોપ તથા હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બીલ્ડીટંગમાં બીજા 2 AC, ડોર સ્ટેપલર, સ્ટેપલર પીન તથા કેલ્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી.
રૂ. 1.71 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ જંબુસર પોલીસે AC તેમજ લેપટોપની ચોરી કરનાર બન્ને તસ્કરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
પોલીસે સ્થાનિક શેરીઓમાં ફેરવતા બન્ને તસ્કરોને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં, જંબુસર પોલીસે બન્ને તસ્કરોને સાથે રાખી RTPCR લેબોરેટરી ખાતે સમગ્ર ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.