ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીનો ‘આઇકોનિક રોડ’
રૂ. 80 લાખના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાયું
આઇકોનિક રોડ પર ગેરકાયદે પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા
ગેરકાયદે કાર પાર્કિંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી
ઓનલાઈન મેમો જનરેટ કરી દંડ વસૂલવામાં આવ્યો
ભરૂચ શહેરના આઇકોનિક રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરનાર કારચાલકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભૃગુઋષિ બ્રિજથી કલેક્ટર કચેરી થઈ શક્તિનાથ રોડ સુધીના મુખ્ય માર્ગને રૂ. 80 લાખના ખર્ચે ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવવામાં આવ્યો છે. શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવાના હેતુથી બનાવાયેલા આ માર્ગ પર ગેરકાયદે પાર્કિંગ કરનાર કારચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય માર્ગ પર અવરોધરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનોને ઓળખી ટ્રાફિક પોલીસે ઓનલાઈન મેમો જનરેટ કરીને કારચાલકો પાસેથી દંડ વસૂલ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના પગલે ટ્રાફિક નિયમનોનું પાલન નહીં કરનાર અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.