રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ માટે સિટી બસમાં મુસાફરીની મફત સુવિધાની ભેટ આપવામાં આવી હતી. પરંતુ પાલિકાની જાહેરાત વચ્ચે અપૂરતી સેવાના પગલે કેટલીક બહેનો અટવાઈ પડી હતી.
ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા શરૂ થતાં લોકોને અવર-જવર કરવામાં ખૂબ અનુકૂળતા પડી રહી છે. ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે, ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ અને બાળકો માટે સમગ્ર દિવસ દરમ્યાન સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે.
જોકે, છેલ્લા 3 વર્ષથી રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. પરંતુ કેટલીક સિટી બસોમાં ભંગારનો સામાન, તો કેટલીક સિટી બસ ખખડધજ હાલતમાં જોવા મળતા પાલિકાની જાહેરાત વચ્ચે અપૂરતી સેવાના પગલે અનેક બહેનો સહિત બાળકો અટવાયા હતા, ત્યારે આ મામલે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખે પણ પાલિકાની અપૂરતી સેવા સામે સવાલ ઉઠાવ્યો હતો.
તો બીજી તરફ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખે રદિયો આપતા જણાવ્યુ હતું કે, રક્ષાબંધન પર્વને અનુલક્ષીને પાલિકા અને સિટી બસના સંચાલકોએ બહેનો તેમજ બાળકો માટે સિટી બસમાં એક દિવસ માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે. જેમાં શહેરના વિવિધ 13 રૂટ ઉપર સિટી બસો દોડી રહી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ પણ લઈ રહ્યા છે, ત્યારે ભરૂચ પાલિકા દ્વારા આપવામાં આવેલ વિનામુલ્યે સિટી બસ સેવા સામે વિધ્ન ઉભું નહીં કરી, આ સેવા અને પાલિકાને સહયોગ આપવા પાલિકા પ્રમુખે લોકોને અપીલ કરી હતી.