ભરૂચ શહેર તથા જીલ્લામાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા માટે ભરૂચ પાલિકા તંત્ર સજ્જ બન્યું છે.
રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગતરોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ સાથે આગામી 7 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છે, તારે ભરૂચ શહેર તથા જીલ્લામાં વરસેલા અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. શહેરના લીંક રોડ પર આવેલી શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય જતાં દત્ત સોસાયટી, મંગલમ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘુઠણસમા પાણી ભરાયા હતા. પાણી ભરાતા સોસાયટીના રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ, શહેરના કસક સર્કલ નજીક વરસાદી પાણીનો ભરાવો થયો છે. કસક સર્કલ નજીક ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતાં વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકી વેઠવી પડી રહી છે. આ સાથે જ વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધા માટે ભરૂચ નગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતની ટીમ દ્વારા પરિસ્થિતીનો તાગ મેળવવા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી, જ્યાં JCBની મદદથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.