રેલવે સ્ટેશનથી નંદેલાવ માર્ગ બન્યો બિસ્માર
ખખડધજ માર્ગથી વાહન ચાલકો પરેશાન
કમરતોડ માર્ગ પરથી પસાર થવું બન્યું જોખમી
તંત્ર પર લોકોનો ભ્રષ્ટાચારનો આક્ષેપ
માર્ગના સમારકામ માટે ઉઠી માંગ
ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી નંદેલાવ ગામ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે આ માર્ગ કમર તોડ બની ગયો હોવાનો આક્રોશ વાહન ચાલકો તેમજ રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ ગામ જતા મુખ્ય માર્ગની હાલત દયનીય બની છે.સ્ટેશનથી નર્મદા માર્કેટ નજીકના ફાટક અને આશ્રય સોસાયટી નજીક માર્ગ પર મસમોટા ખાડાઓ સર્જાયા છે, જેના કારણે વાહનચાલકો અને પદયાત્રીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વર્ષોથી આ માર્ગનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવતું નથી. સ્થાનિક લોકો આક્ષેપ સાથે કહી રહ્યા છે કે આ માર્ગ નથી,પણ ભ્રષ્ટાચારનો જીવંત દાખલો છે.
વરસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાઈ જાય છે, ખાડા દેખાતા નથી અને તેમાં વાહનો પછડાતા અનેકવાર નાના-મોટા અકસ્માત થયા છે.આ પરિસ્થિતિને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વહીવટી તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે યોગ્ય આયોજનના અભાવે રસ્તાના ફરી વખત ખસ્તાહાલ થયા છે. સ્થાનિકો તંત્રને તાત્કાલિક રસ્તાની મરામત કરવાની માંગ કરી રહયા છે,અને જો યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આગામી સમયમાં તેઓ આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે.