/connect-gujarat/media/media_files/2025/02/13/sgcu32lgU9bfqFFJgCTl.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામમાંથી બેફામ દોડતા ઓવરલોડ રેતી ભરેલા વાહનો સામે ગ્રામજનોનો વિરોધ નોંધાવ્યો હતો. વણાકપોર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી આવા વાહનો પર નિયંત્રણ મુકવાની માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામના સરપંચ, સભ્યો તેમજ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, વણાકપોર ગામમાંથી જૂની તરસાલી તેમજ ભાલોદથી રેતી ભરેલ ઓવરલોડ ટ્રકો તેમજ અન્ય વાહનો બેફામ રીતે પસાર થાય છે. જેના કારણે મુખ્ય માર્ગ પર શાળા, આંગણવાડી તેમજ વસાહતો આવેલી હોવાથી ગામમાં અકસ્માત તેમજ અન્ય દુર્ઘટનાની શક્યતા વર્તાઇ રહી છે.
ગામમાંથી સતત દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, અને નીતિ નિયમોને નેવે મુકી ચાલતા ઓવરલોડ વાહનો પર જરૂરી કાર્યવાહી કરવા તેમજ નિયંત્રણ મુકવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી રેતી ભરેલ ઓવર લોડેડ વાહનો સામે જનઆક્રોશ વધી રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.