આમોદના શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજન
વોલીબોલ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
ખેલોત્સવથી યુવાનોમાં નવી ઊર્જાનો સંચાર થયો
યુવાનોને રમતગમત પ્રત્યે પ્રેરિત કરવામાં આવ્યા
મોટી સંખ્યામાં યુવાનો સહિત નગરજનોની હાજરી
ભરૂચ જિલ્લાના આમોદના શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ખેલોત્સવની ધમાકેદાર શરૂઆતથી યુવાનોમાં નવી ઊર્જાનો સંચાર થયો છે.
ભરૂચ જિલ્લાના આમોદમાં રમત-ગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને યુવા શક્તિને સકારાત્મક માર્ગે વાળવાના ઉદ્દેશ્ય સાથે આમોદના શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ચામડિયા હાઇસ્કૂલના વિશાળ મેદાન ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર આયોજનની સફળતા પાછળ ક્લબના અગ્રણી મહેબૂબ કાકુજીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જેમણે યુવાનોને રમતગમત તરફ પ્રેરિત કર્યા છે. કાર્યક્રમની શરૂઆત ગર્વભેર રાષ્ટ્રગાનની ગુંજ સાથે કરવામાં આવી હતી. જેનાથી સમગ્ર મેદાન દેશભક્તિના ઉલ્લાસથી છવાઈ ગયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં અનેક અગ્રણી રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનના પુત્ર સાગર પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર કાજી, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.