ભરૂચ: નગર સેવા સદન દ્વારા 5 વર્ષ પૂર્વે મુકાયેલ વોટર ATM શોભાના ગાંઠીયા સમાન, રાહદારીઓને મુશ્કેલી !

ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં રૂ. 14 લાખથી વધારે રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ મુકવામાં આવેલાં વોટર એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે

New Update
  • ભરૂચમાં 10 સ્થળોએ મુકાયા હતાં વોટર એટીએમ

  • ન.પા.એ ખાનગી સંસ્થાને આપ્યો હતો કોન્ટ્રાકટ

  • મોટાભાગના વોટર એટીએમ હાલ બંધ હાલતમાં

  • વિપક્ષે નગર સેવા સદન પર કર્યા પ્રહારો 

  • વોટર એટીએમ ચાલુ કરાવવા તંત્રનું આશ્વાસન

Advertisment
ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં રૂ. 14 લાખથી વધારે રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ મુકવામાં આવેલાં વોટર એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે કાળઝાળ ગરમીમાં વોટર એટીએમ ફરી શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સુર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહયાં છે. રસ્તાઓ પરનો ડામર પણ પીગળવાનું શરૂ થઇ ગયું છે. ભરૂચમાં વટેમાર્ગુઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે 14 લાખ રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મુકવામાં આવ્યાં હતાં. ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને પાલિકાના તત્કાલીન પ્રમુખ સુરભિ તમાકુવાલાની હાજરીમાં વર્ષ 2020માં આ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું..વોટર એટીએમનો કોન્ટ્રાકટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. 5 વર્ષમાં જ મોટાભાગના વોટર એટીએમ શોભાના ગાઠીયા સમાન બની ગયાં છે. આ મામલે વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે પાલિકા સત્તાધીશો લોકોને પાણી પીવડાવવામાં પણ નિષ્ફળ નિવડ્યા છે
ભરૂચના તુલસીધામ,કસક,સ્ટેશન રોડ,સુપર માર્કેટ અને પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વોટર એટીએમ મુકવામાં આવ્યા હતા જે પૈકી અમુક જ સ્થળોએ વોટર એટીએમ કાર્યરત છે.જે વોટર એટીએમનું સંચાલન સામાજિક સંસ્થાઓને સોંપવામાં આવ્યું હતું માત્રને માત્ર એ જ વોટર એટીએમમાંથી વટેમાર્ગુઓ પાણી પી શકે છે.વોટર એટીએમના મામલે વિપક્ષે શાસકો પર પસ્તાળ પાડી છે ત્યારે ચીફ ઓફોસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે તમામ વોટર એટીએમ કાર્યરત થઈ જાય એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
Advertisment
ભરૂચ શહેરમાં બંધ હાલતમાં રહેલાં વોટર એટીએમ ઝડપથી શરૂ થાય તે જરૂરી છે. મિનરલ વોટરના આ યુગમાં પાણીની પરબોની સંખ્યા ઘટી ચુકી છે અને પાણીના પાઉચ પણ બંધ થઇ ગયાં છે. આવા સંજોગોમાં ગરીબ વ્યકતિ 10-20 રૂપિયાની પાણીની બોટલ ખરીદી શકે તેમ નથી. લોકોની સુવિધા માટે લગાડવામાં આવેલાં વોટર એટીએમ ફરી એક વખત લોકો માટે આર્શીવાદરૂપ બને તે દિશામાં નગરપાલિકાએ પ્રયાસો કરવા જોઇએ
Advertisment
Latest Stories