-
શુક્લતીર્થ ખાતે નદીમાં ડૂબી જતાં 3 લોકોના મોતનો મામલો
-
સાંસદ મનસુખ વસાવાએ કર્યા તંત્રના અધિકારીઓ પર પ્રહાર
-
નદીમાંથી ગેરકાયદે થઈ રહ્યું છે રેતી ખનન : મનસુખ વસાવા
-
રેતી ખનનના કારણે દુર્ઘટના સર્જાતી હોવાનો કરાયો આક્ષેપ
-
રાજકીય વગ ધરાવતા લોકો પણ વેપલામાં સામેલ : સાંસદ
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ નિર્દોષ લોકોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજવાની ઘટના પાછળ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર હોવાનો હળહળતો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, ખાણ અને ખનીજ વિભાગની મીલીભગતથી રેતી માફિયા બેફામ બન્યા છે. જેથી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનનના કારણે આવી દુર્ઘટના સર્જાતી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું.
અગાઉ પણ નારેશ્વર તેમજ પોઇચા સહિતના સ્થળે કેટલાક લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે, ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ ખનીજ માફિયાઓ પર લગામ ન કસતા ઉપરાંત રાજકીય વગ ધરાવતા લોકો પણ આ વેપલામાં સંડોવાયા હોવાથી વારંવાર આવી દુર્ઘટના સર્જાતી હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રીને અગાઉ પણ રેતી માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, 3-4 મહિના ગેરકાયદેસર રેતી ખનન પર નિરંતર આવ્યા બાદ ફરી ગેરકાયદે પ્રવૃત્તિ બેફામ બની છે, ત્યારે રેતી માફીઆઓના ગાંધીનગર સુધી રાજકીય કનેક્શન હોવાનો પણ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે.