ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં ખેલાયો ખૂની ખેલ
22 વર્ષીય યુવતીની માતા-ભાઈએ કરી નાખી હત્યા
યુવતીના પ્રેમ સંબંધ સામે પરિવારનો હતો ઇનકાર
પોતાની જ દીકરીની નિર્મમ હત્યાથી પંથકમાં ચકચાર
પોલીસે બન્ને હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી આદરી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પ્રેમ સંબંધના કારણે 22 વર્ષીય યુવતીની તેની જ સગી માતા અને ભાઈએ મળીને નિર્મમ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાંથી હૃદય કંપારી છૂટે તેવી ઘટના સામે આવી છે. 22 વર્ષીય યુવતી પારૂલનો સિહોર ખાતે રહેતા વિવેક નામના યુવક સાથે છેલ્લા એક વર્ષથી ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ સંબંધ હતો. પારૂલે પ્રેમી વિવેક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પરિવારજનોને આ સંબંધ મંજૂર નહોતો. પરિણામે પારૂલ અને તેના પરિવાર વચ્ચે વારંવાર વાદવિવાદ થતા હતા. અનેકવાર સમજાવ્યા છતાં પારૂલ પોતાની વાત પર અડગ રહી હતી, અને પ્રેમી સાથે જ લગ્ન કરવા માંગતી હતી. તેવામાં ગત તા. 18 ઓક્ટોબર-2025’ના રોજ ઘરમાં થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પારૂલની માતા દયા સરવૈયા અને ભાઈ પ્રકાશ સરવૈયાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી પારૂલની નિર્મમ રીતે હત્યા કરી નાખી હતી.
તો બીજી તરફ, મૃતક પારૂલના પિતા હિંમત સરવૈયાએ સમગ્ર મામલે વરતેજ પોલીસ મથકે પોતાના પત્ની અને પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ મળતા જ વરતેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બન્ને આરોપી એવા માતા અને પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હત્યાના ગુન્હાને છુપાવવા માટે બન્ને આરોપીએ યુવતીના મૃતદેહને તાડપત્રીમાં લપેટીને નજીકના ચેકડેમમાં ફેંકી દીધો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો વરતેજ પોલીસે આ હૃદય કંપિત હત્યાકાંડમાં વધુ તપાસ હાથ ધરી છે.