પૂર્વ વાગ્દત્તા પર યુવકનો જીવલેણ હુમલો
સગાઈ તૂટી જતા યુવકે કર્યો યુવતી પર હુમલો
યુવતીના ઘરે જઈને છરી વડે કરવામાં આવ્યો હુમલો
ઈજાગ્રસ્ત યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
પોલીસે ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરી
ભાવનગરમાં સગાઈ તૂટી જતા યુવકે તેની પૂર્વ મંગેતર પર છરી વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો.આ હુમલામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ભાવનગરમાં સગાઈ તૂટ્યા બાદ એક યુવકે તેની પૂર્વ મંગેતર પર છરી વડે હુમલો કર્યો હતો, આ ઘટનામાં યુવતીને પેટ અને હાથની આંગળીમાં ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતીની માતાએ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દીકરીની સગાઈ આશરે એક વર્ષ પહેલા સનેસ ગામના ગુલાબ ચુડાસમાના દિકરા કરણ સાથે થઈ હતી. જોકે પાંચ દિવસ પહેલા આ સગાઈ તોડી નાખવામાં આવી હતી.
જ્યારે રેખાબેન હીરાના કારખાને કામ પર હતા,ત્યારે તેમની દીકરી તેમની પાસે આવી અને જણાવ્યું કે કરણ ઘરે આવ્યો છે. રેખાબેને દીકરીને ઘરે જવાનું કહી પોતે પણ પાછળથી ઘરે પહોંચ્યા હતા, ઘરે પહોંચતા જ દીકરીએ તેમને જણાવ્યું કે કરણે તેના ડાબા હાથની છેલ્લી આંગળી અને પેટમાં ડાબી બાજુ છરી મારી દીધી હતી,અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે સમયે રેખાબેનના ભાભી સોનલ રાજેશભાઈ મકવાણા પણ ત્યાં હાજર હતા. રેખાબેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. ડોકટરોએ સુમનના પેટમાં ઓપરેશન કર્યું હતું અને આંગળી પર ટાંકા લીધા હતા. આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે રેખાબેને કરણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.