રખડતા શ્વાનના નિયંત્રણ મુદ્દે વિવાદ
રસીકરણ અને ખસીકરણમાં ગોટાળા
એજન્સીની કામગીરી સામે ગંભીર આક્ષેપ
NGOના એજન્સીની કામગીરી સામે આક્ષેપ
ફિમેલ શ્વાને બચ્ચાને જન્મ આપતા વિવાદ
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનોને નિયંત્રણમાં રાખવામાં ગોટાળા થયા હોવાના પ્રાણી પ્રેમીઓએ આક્ષેપ કર્યા છે. જે ઘટનામાં પુરાવા બહાર આવતા નગરપાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉભા થયા છે.
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનના રસીકરણ અને ખસિકરણ મુદ્દે વિવાદ છંછેડાયો છે.આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં 1.20 કરોડ રૂપિયાનું ટેન્ડર અપાયું છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ બે કરોડ રૂપિયા આ કામગીરી પાછળ ખર્ચાઈ ચુક્યા છે. પરંતુ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં શહેરમાં રખડતા શ્વાનની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. શ્વાન પ્રેમીઓ અને NGO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મનપામાં ભ્રષ્ટાચારની સંભાવના મજબૂત થતા દ્રશ્યો સામે આવ્યા હતા. નિયમ મુજબ, રસીકરણ અને ખસિકરણ બાદ શ્વાનના કાન કાપીને નિશાની મૂકી દેવામાં આવે છે, જેથી એ જ શ્વાનને ફરીવાર ઓપરેશન માટે ખસેડવામાં આવે નહીં. પરંતુ પીલગાર્ડનમાં એક ફિમેલ શ્વાન, જેના કાન પર નિશાની હતી, તેણે તાજેતરમાં જ બચ્ચાને જન્મ આપ્યો છે. તો પછી સવાલ ઉઠે છે કે જ્યારે મનપાના અધિકારીઓ પોતે દાવો કરે છે કે દરરોજ શ્વાન પકડીને રસીકરણ અને ખસિકરણ કરવામાં આવે છે, ત્યારે આ ફિમેલ શ્વાનના બચ્ચા ક્યાંથી આવ્યા ? NGOએ આક્ષેપ કર્યો છે કે મનપામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે,રસીકરણ અને ખસિકરણ માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવે છે. યોગ્ય કામગીરી ન થતી હોવાના પુરાવા રૂપે આ ઘટના સામે આવી છે.NGOએ જણાવ્યું કે તેઓ આ મામલે મનપા કમિશનરને રજૂઆત કરશે અને આ સમગ્ર કામગીરી પર પારદર્શિતા લાવવા માંગણી કરવામાં આવશે.
ભાવનગર શહેરમાં દર મહિને સરેરાશ 30 જેટલા રખડતા શ્વાનના ઓપરેશન કરવામાં આવે છે, જેમાં તેમના પ્રજનન અંગો દૂર કરીને બાદમાં ઓળખ માટે કાન પર કટ આપવામાં આવે છે. હાલ પાલનપુરની યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર એજન્સીને આ કામગીરી માટે રૂપિયા 1 કરોડ 20 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.આ એજન્સી દ્વારા શહેરમાં રખડતા શ્વાનનું રસીકરણ તેમજ ખસિકરણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં આ એજન્સીની કામગીરીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્ય સાજન રાઠોડે જણાવ્યું હતું કે, યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર સામે તેમની NGO દ્વારા અગાઉ પણ અનેક ફરિયાદો કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે એજન્સી સતત ગેરરીતિઓ આચરે છે અને SOPનું ઉલ્લંઘન કરે છે, તેમ છતાં મનપા દ્વારા આજદિન સુધી કોઈ કડક પગલા લેવામાં આવ્યા નથી.