ભાવનગર : પ્રજાકીય સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાં સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલએ રજૂ કરેલાં બીનઅધિકૃત દબાણો

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલએ રજૂ કરેલાં બીનઅધિકૃત દબાણો, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ, રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.
ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે જિલ્લામાં પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલાય તે માટે જિલ્લા અને તાલુકાના અધિકારીઓને કલેકટરએ સૂચના આપી હતી. આ બેઠકમાં ભાવનગર જિલ્લામાં પંચાયત અને સ્ટેટના ગેરંટીવાળા રોડના પ્રશ્નોના નિરાકરણ, મહી પરિએજ યોજના, સિહોર આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી મશીની ખરીદી, જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા તેમજ ઓવરલોડ ટ્રકોની તપાસ હાથ ધરવા, ગારીયાધાર, જેસર, મહુવા તાલુકામાં ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટ વપરાશ, સિંચાઈ યોજના હેઠળ મહુવા, જેસર તાલુકાના છેલ્લાં 3 વર્ષમાં મંજૂર થયેલા ચેકડેમો તથા તેની પ્રગતિ, સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ, ખાદ્ય પદાર્થોની ચકાસણી વગેરે પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.