Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં જનહિતલક્ષી કાર્યક્રમોને અપાશે વેગ

ભાવનગર : રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં જનહિતલક્ષી કાર્યક્રમોને અપાશે વેગ
X

ગુજરતાના મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્તમાન સરકારને પાંચ વર્ષ પુરાં થવાના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો થનાર છે. તેને અનુલક્ષીને ભાવનગરમાં થનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ બેઠક યોજી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧-૮-૨૦૨૧થી તા.૯-૮-૨૦૨૧ એમ ૯ દિવસ સુધી વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો યોજાનાર છે. જેમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો પણ સહભાગી થનાર છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ લોકાર્પણ તેમજ ખાતમુહુર્તનાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત તા. ૧-૮-૨૦૨૧ના રોજ જ્ઞાન શક્તિ દિન, તા. ૨-૮-૨૦૨૧ના રોજ સંવેદના દિન, તા. ૪-૮-૨૦૨૧ના રોજ મહિલા સશક્તિકરણ દિન, તા. ૫-૭-૨૦૨૧ના રોજ ધરતીપુત્ર સન્માન દિન, તા. ૬-૮-૨૦૨૧ના રોજ યુવા શક્તિ દિન, તા. ૭-૮-૨૦૨૧ના રોજ ગરીબ ઉત્કર્ષ દિન, તા. ૮-૮-૨૦૨૧ના રોજ શહેરી જનસુખાકારી દિન અને તા. ૯-૮-૨૦૨૧ના રોજ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમો રાજ્યભરમાં યોજવામાં આવનાર છે.

ભાવનગર જિલ્લામાં પણ આ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા આ તમામ કાર્યક્રમો સમયબદ્ધ રીતે અને સુચારુ રીતે પાર પડે તે માટેની તૈયારીઓ અંગે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ અંતર્ગત જિલ્લાના એક પણ લાભાર્થી રહી ન જાય તે માટે વિશેષ કાળજી લેવાની જરૂર છે અને છેવાડાના ગામ સુધી તેનો લાભ પહોંચે તેની તકેદારી રાખવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, મદદનીશ કલેક્ટર પુષ્પલત્તા, એ.એસ.પી. સફિન હસન, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદાર તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story