Connect Gujarat
ગુજરાત

ભાવનગર : બાળકોને વિવિધ રોગથી રક્ષિત કરવા PCV-ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિનનું લોન્ચિંગ કરાયું

બાળકોને ન્યૂમોકોકલ, ન્યૂમોનિયા અને મગજના તાવ જેવા જીવલેણ રોગથી રક્ષિત કરવા વેક્સિનનું લોન્ચિંગ કરાયું

ભાવનગર : બાળકોને વિવિધ રોગથી રક્ષિત કરવા PCV-ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિનનું લોન્ચિંગ કરાયું
X

ભાવનગર ખાતે બાળકોને ન્યૂમોકોકલ, ન્યૂમોનિયા અને મગજના તાવ જેવા જીવલેણ રોગથી રક્ષિત કરવા માટે નવી રસી PCV-ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ રસી બાળ મરણનું પ્રમાણ ઘટાડવા માટે ઉપકારક સાબિત થશે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા આ રસી બાળકોને નિઃશૂલ્ક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશમાં થતાં બાળ મરણમાં મોટો હિસ્સો ન્યૂમોનિયાનો છે. તે ચેપી હોવાથી તેનાથી બાળકોમાં મૃત્યુનું પ્રમાણ પણ ઉંચુ રહે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કે, જ્યાં વાલીઓમાં તેના વિશે જાગૃતતાનું પ્રમાણ ખૂબ ઓછું છે. તદઉપરાંત તેઓ દર્દીને દવાખાને લઇ જવામાં પણ ઘણી વાર ઉદાસીનતા દાખવતાં હોય છે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. આમ, ન્યૂમોનિયાને કારણે થતાં બાળ મરણને અટકાવવા માટે નાના બાળકોને આ નવી ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિન આપવી જરૂરી છે. આ રસી આપવાથી બાળકોમાં એક પ્રકારની રોગપ્રતિકારક શક્તિ જન્મે છે અને તેનાથી ન્યૂમોનિયા જેવાં ચેપી રોગ સામે રક્ષણ મેળવવા માટે તે અસરકારક સાબિત થાય છે. ન્યૂમોકોકલ ન્યૂમોનિયા એક પ્રકારનો ફેફસાનો ચેપ છે. જેમાં બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી, થાય છે. છાતી અંદરની તરફ ખેંચાય છે તેમજ બાળકને તાવ આવે છે અને ઉધરસ થાય છે. આ રસીને કારણે ગ્રામ્ય સ્તરે બાળકોમાં રેફરલ ઘટાડી શકાશે અને તેનાથી થતાં બાળ મરણમાં પણ નોંધપત્ર ઘટાડો થશે. જો અસરકારક રસીકરણ કરવામાં આવે તો વાતાવરણમાંથી જ ન્યૂમોનિયાના બેક્ટેરિયા સામેના ચેપનું જોખમ ઘટાડી શકાશ છે. ખાનગી ક્ષેત્ર માટે આ એક ખૂબ જ મોંઘી રસી છે. જેનો ભાવ એક રસીના ડોઝના રૂ. ૨ હજારથી રૂ. ૨૫૦૦ થાય છે. જેને હવે રાજ્ય સરકાર દ્વારા તમામ બાળકોને મફતમાં આપવામાં આવશે. આ રોગ થવાનાં થોડા દિવસમાં જ દર્દી બાળક ગંભીર બની જાય છે. જે બાળકમાં સારવારની અસરકારકતા ઓછી હોય જોવાં મળે તેવા બાળકને આ રસી આપવાથી બાળકને ન્યૂમોનિયાના જોખમથી બચાવી શકાય છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાંથી PCV (ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિન)નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે ભાવનગર જિલ્લામાં પાલિતાણા ખાતેથી જિલ્લા કક્ષાનો PCV વેક્સિન લોન્ચિંગ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે.તાવિયાડના માર્ગદર્શન હેઠળ અને જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમ ડાભી અને જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લાના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં લોકોપયોગી અને ખૂબ જ મહત્વની તથા અસરકારક એવી આ રસી PCVને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ માટેની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હવે PCV-ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિન બાળકોને ન્યૂમોનિયા જેવાં ચેપી રોગો સામેના રક્ષણનું અમોઘ શસ્ત્ર સાબિત થશે.

Next Story