Connect Gujarat
ગુજરાત

બોટાદ : 2 વર્ષ બાદ સાળંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે...

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવતી કાલે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

X

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવતી કાલે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.

કોરોનાના કારણે ગુજરાતમાં તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી પર રોક લગાવવામાં આવી હતી. જોકે, હવે કોરોના હળવો થતાં પહેલાની જેમ તહેવારો મનાવવા સરકારે છૂટ આપી છે, ત્યારે બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરે છેલ્લા 2 વર્ષ બાદ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિ મહોત્સવનો 10 લાખથી વધુ હરિભક્તો લાભ લેશે. આથી વહીવટી તંત્રએ ખાસ રૂટ તૈયાર કર્યા છે. સાથે જ અહી આવતા શ્રદ્ધાળુઓને રહેવા-જમવા અને પાર્કિંગની પણ વ્યવસ્થા કરાય છે.

કષ્ટભંજન હનુમાનજીના મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવની 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કષ્ટભંજન હનુમાનજીના મંદિરે સતત 2 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાના દરબારમાં પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે, જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ, સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. સાથે જ દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ સંપન્ન કરાવશે તેવું ભવ્ય આયોજન કરાયું છે.

Next Story