એકાદશીના દિવસે શ્રી કષ્ટભંજન દેવને કરાયો અનોખો શણગાર
1008 કિલો ફૂલથી દાદા પર દિવ્ય પુષ્પવૃષ્ટિ કરવામાં આવી
શ્રી કષ્ટભંજન દેવનું પુષ્પયાગથી કરાયું વિશેષ પૂજન અર્ચન
દાદાને અનેક વિધ ફૂલ પાંદડીના વાઘાનો કરાયો શણગાર
શ્રી કષ્ટભંજન દેવના ભક્તોએ દર્શન કરી અનુભવી ધન્યતા
બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવને શ્રાવણ વદ અગિયારસ નિમિત્તે ફૂલની પાંદડીનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો,આ ઉપરાંત 1008 કિલો ફૂલથી દિવ્ય પુષ્પવૃષ્ટિ સાથે પુષ્પયાગથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ વદ અગિયારસ તારીખ 19મી મંગળવારના રોજ દાદાને અનેક વિધ ફૂલ પાંદડીના વાઘા પહેરાવ્યા હતા.આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના પવિત્ર એકાદશી દિવસના અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ધરાયેલ વાઘા સાળંગપુરમાં જ હરિભક્તોએ બે દિવસ અને એક રાતની મહેનતે બાર પ્રકાના ફૂલો વડે બનાવ્યા છે. આ શણગાર કરતા સંતો અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત મંદિર પરિસરમાં ફૂલોનું શુશોભાન કરાયું છે.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાની એકાદશીના પરમ પવિત્ર દિવસે કષ્ટભંજન દેવને પુષ્પયાગથી પૂજા કરવામાં આવી હતી. આ પુષ્પયાગ મૂળ દક્ષિણ ભારતની આગમ શાસ્ત્રોની પદ્ધતિ પ્રમાણે કરવામાં આવી હતી. આ પૂજામાં 1008 કિલો ફૂલથી દાદા પર દિવ્ય પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી હતી.