બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ-મેરિયા બ્રિજ જર્જરિત
જર્જરિત બન્ને બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝનનું કામ શરૂ
વેપારી-અગ્રણી દ્વારા સ્વખર્ચે જનતા ડાયવર્ઝનનું નિર્માણકાર્ય
બન્ને બ્રિજ બંધ હોવાથી લોકોને લગાવો પડતો લાંબો ચકરાવો
આસપાસના ગ્રામજનો અને વાહનચાલકોમાં ખુશીનો માહોલ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ગણાતા એવા ઓરસંગ અને મેરિયા બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં આવી ગયા છે, ત્યારે બન્ને બ્રિજની બાજુમાં વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે. જેને લઇ આસપાસના ગ્રામજનો અને વાહનચાલકોમાં ખુશી વ્યાપી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે. બન્ને બ્રિજ ખરાબ હોવાનું તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે, ત્યારે બન્ને બ્રિજને સાવચેતીના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો, વેપારીઓ, કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોટરો સહીત અન્ય ભારદારી વાહનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, મેરિયા બ્રિજને લઇ વાહન ચાલકો અને લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા લોકોને તકલીફ ન પડે તે માટે સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઇ બોડેલીને જોડતા મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત કરાય છે. બન્ને બ્રિજ બંધ હોવાના કારણે લોકોને લાંબો ચકરાવો લગાવો પડતો હતો. જેને લઈ સમય અને ઇંધણનો પણ વ્યય થતો હતો. છેલ્લા કેટલાક સમાયથી બોડેલી સહીત જિલ્લાના બ્રિજ પર ભારે વાહનો બંધ હોવાના કારણે ખેડૂતો, વેપારીઓ, કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોટરોના ધંધા રોજગાર પર ભારે અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને આગામી દિવાળીના તહેવારમાં વેપારીઓને ધંધાકીય આશા હોય છે, ત્યારે આ જનતા ડાયવર્ઝન લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે તેવું લોકોનું માનવું છે.