તેલાઈ માતાના મંદિરની દુર્દશાથી ભક્તોમાં રોષ
ઓરસંગ નદીમાં રેત ખનનથી મંદિરને થયું નુકસાન
તેલાઈ માતા ભક્તોની આસ્થાનું છે પ્રતીક
ધાર્મિક વિરાસતને બચાવવા માટે ગ્રામજનોની માંગ
પવિત્ર સ્થાને શ્રદ્ધાળુઓ મનોકામના પૂર્ણ કરવા આવે છે
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના બારાવાડ ગામે આવેલું પૌરાણિક તેલાઈ માતાનું મંદિર રેત માફિયાનાં પાપે નેસ્તનાબુદની કગાર પર હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે, લોકો માટે આસ્થાના આ પવિત્ર ધાર્મિક સ્થળને બચાવવા લોકમાંગ ઉઠવા પામી છે.
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના બારાવાડ ગામે ઓરસંગ નદીના કિનારે આવેલું તેલાઈ માતાનું મંદિર એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે.આ મંદિર સ્થાનિક લોકોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે, અને માતા મહાકાળીના મોટી બહેન તેલાઈ માતાનું મંદિર શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે, આ પવિત્ર સ્થાને ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ મંદિરે મનોકામના પૂર્ણ કરવા આવે છે,પરંતુ રેત ખનન થવાના કારણે,આ મંદિરના કિનારાનું ધોવાણ થવાથી મંદિરની મૂર્તિઓ પાણીના પ્રવાહામાં ધોવાઈ જતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તેલાઈ માતાના મંદિર નજીક ઓરસંગ નદીમાં રેતી માફિયા દ્વારા બેફામ રીતે રેત ખનન થતું હોવાના કારણે, ઓરસંગ નદીનું જળસ્તર નીચું જવાથી મંદિર પરિસરના કિનારા ધોવાઈ જવાથી ઐતિહાસિક ધાર્મિક સ્થળ ભારે વરસાદમાં જ પ્રભાવિત થયું છે. ત્યારે આ ધાર્મિક વિરાસતને બચાવવા ગામ લોકો સૂત્રો પોકારીને સંરક્ષણ દીવાલ અને ચેકડેમની માંગ કરી રહ્યા છે.
ગુજરાતના આદિવાસી સમાજ,ગ્રામીણ વિસ્તારના અને સ્થાનિક લોકોની આસ્થાનું પ્રતિક એવા તેલાઈ માતાના મંદિર પાસે પાંડવ યુગના પ્રાચીન મંદિરો,વર્ષ 1905માં એટલે કે એક સદી પહેલા રજવાડાએ બનાવેલ મહેલ, અને ડુંગર પર આવેલ પ્રાચીન મંદિરે વર્ષોથી ફાગણ સુદ અગિયારસનાં દિવસે ત્રણ દિવસનો ભાતીગઢ લોક મેળો ભરાય છે, નવરાત્રીના નવ દિવસ સુધી ગરબા રમાઈ છે, તેમજ તેલાઈ માતાનાં મંદિર પાસે બરાવાડ ગામના કોતરનો કિનારો ધોવાઈ જતા, આ મંદિરે જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો છે, રસ્તો ધોવાઈ જતા તેલાઈ માતાનાં મંદિરની બે ડેરીઓ પણ ધોવાઈ ગઈ છે, જે મંદિરમાંથી મૂર્તિઓ કાઢીને ગામ લોકોએ પતરાના શેડમાં સલામત સ્થળે ખસેડી લીધી છે.