સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ઘટના
શાળાના પટાંગણમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો
શાળામાંથી જ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર
જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો
રેપ વિથ મર્ડરની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસ શરૂ
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના પટાંગણમાંથી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની 6 વર્ષીય બાળકી પહેલા ધોરણમાં તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, જે શાળામાં ગઈ હતી અને પ્રાર્થના સભામાં જોવા મળી હતી. પરંતુ પ્રાર્થના પછીથી તે બાળકી ગુમ થઈ હતી, અને શાળા છૂટ્યા બાદ પણ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેના પરીવારજનોએ શોધખોળ આદરી હતી, ત્યારે સાંજના સમયે શાળામાં તપાસ આદરતા બાળકી બેભાન અવસ્થામાં શાળાની પાછળના ભાગે જોવા મળી હતી. જેને PHC સેન્ટર ખાતે લાવતા હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી, ત્યારે બનાવની જાણ થતાં જ દાહોદ જિલ્લા પોલીસવડા તેમજ LCB, SOG સહિતનો પોલીસ કાફલો તોરણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યો હતો. પોલીસે શાળાના આચાર્ય સહિતના સ્ટાફની પૂછપરછ હાથ ધરી હતી. જોકે, રેપ વિથ મર્ડરની આશંકાઓ સાથે પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.