ગરબાડાના નવાગામનું આંગણવાડી કેન્દ્ર બન્યું જર્જરિત, આ જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા પડ્યા
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાગામમાં આવેલ જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા પડતાં પોતાના બાળકોને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
એક તરફ રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા નાના ભૂલકાઓને સુવિધા સભર પાયાનું જ્ઞાન મળી રહે તે માટે આંગણવાડીઓ બનાવવામાં આવી છે. પણ હજુ કેટલીક આંગણવાડીઓ એવી છે કે, વર્ષોથી જર્જરિત અને જોખમી છે. ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાગામની આવી જ એક જર્જરિત આંગણવાડીમાં છતના પોપડા પડતાં સ્થાનિકોમાં ડર ફેલાયો છે. નવાગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે.
આ આંગણવાડી કેન્દ્રમાં 47 જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે. જોકે, આંગણવાડીમાં રજાના દિવસે છતના પોપડા પડતાં બાળકોનો આબાદ બચાવ થયો હતો. તો બીજી તરફ, અત્યંત જર્જરિત હાલતમાં આંગણવાડી કર્મચારી બહેનો પણ પોતાની ફરજ બજાવવા મજબૂર બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં અનેક આંગણવાડી કેન્દ્રો હાલ જર્જરિત હાલતમાં કાર્યરત છે. અહી નાના ભૂલકાઓનું ભવિષ્ય જોખમમાં હોવાનું પુરવાર થઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા વહેલી તકે નવું મકાન ફાળવી આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.