Connect Gujarat
ગુજરાત

ડાંગ : સંભવિત ત્રીજી લહેર સામે અસરકારક વ્યૂહ રચના સાથે કોરોનાને જીલ્લામાં પ્રવેશતો રોકવા તંત્ર પ્રતિબદ્ધ

ડાંગ : સંભવિત ત્રીજી લહેર સામે અસરકારક વ્યૂહ રચના સાથે કોરોનાને જીલ્લામાં પ્રવેશતો રોકવા તંત્ર પ્રતિબદ્ધ
X

ઘાતક બીજી લહેરનો કહેર અનુભવી ચુકેલો ડાંગ જિલ્લો કોરોનામુક્ત થવા જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રના અસરકારક પ્રયાસો, જનપ્રતિનિધિઓનું જન આંદોલન, અને પ્રજાકીય ઇચ્છાશક્તિથી સંભવિત ત્રીજી લહેરને પ્રવેશતા પહેલા જ જાકારો આપવા માટે જિલ્લા વહીવટી તંત્રે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જીતશે ગુજરાત, હારશે કોરોનાના મંત્ર સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ ખભેખભા મિલાવીને કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ માટે ઝુંબેશ આદરી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર રસીકરણ જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી પ્રજાજનોને વેક્સિન બાબતે પ્રવર્તતિ ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓને તિલાંજલિ આપી, રસી લઈને સુરક્ષિત થવા માટે સમજાવવામાં આવી રહ્યા છે.

ડાંગ જિલ્લાને કોરોનામુક્ત કરવાની નેમ સાથે પોતાનો ડાંગ જિલ્લાનો કાર્યભાર સંભાળનારા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા ડાંગ જિલ્લામા 100% રસીકરણ થાય તે માટે અધિકારીઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણી/પ્રતિષ્ઠિત નાગરિકો, જુદા જુદા ધર્મ સંપ્રદાયના વડાઓ, સામાજિક/સેવાભાવી સંસ્થાઓ સહિત યુવા સંગઠનો વગેરેનો સહકાર મેળવી જરૂર પડ્યે રસીકરણ રથના માધ્યમથી પણ ગામેગામ જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ આદરવામાં આવ્યો છે. પ્રજાકીય સ્વાસ્થ્યની સુરક્ષા માટેના આ વિશેષ આયામ સાથે, છેલ્લે તા. 4થી જૂને અહીં નોંધાયેલા એક કેસ બાદ જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. સાથોસાથ એક્ટિવ કેસો પણ શૂન્ય થતા કોરોનામુક્ત થવા જઈ રહેલા ડાંગ જિલ્લાને, તાજેતરમાં ડાંગની મુલાકાતે પધારેલા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે ટીમ ડાંગને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં તા. 16 જુનના રોજની સ્થિતિએ એક પણ એક્ટિવ કેસ રહેવા પામ્યો નથી. જિલ્લામાં આ અગાઉ કુલ 689 કેસ નોંધાવા સાથે 28 મૃત્યુ નોંધાઇ ચુક્યા છે, ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરના કહેરથી પ્રજાજનોને સુરક્ષિત કરવાના ભાગરૂપે ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તા. 16મી જૂન સુધી 2497 હેલ્થ કેર વર્કર સામે 2114ને પ્રથમ ડોઝ અને 1830ને બીજો ડોઝ આપી દેવાયો છે. જયારે 5012 ફ્રન્ટ લાઈન વર્કરોની સામે 4975ને પ્રથમ ડોઝ, અને 3200ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તે જ રીતે 45+ના 58010 લાભાર્થીઓ પૈકી 29533ને પ્રથમ, અને 6043 બીજો ડોઝ, અને 18+ યુવાઓના 115956ના લક્ષ્યાંક સામે 5021ને પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

આમ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પદાધિકારીઓની સક્રિય ભાગીદારી, અને પ્રજાકીય ઇચ્છાશક્તિથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને આવતા પહેલા જ તિલાંજલિ આપવાની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે. જેના માટે પ્રજાજનોને સ્વયં શિસ્ત સાથે બિનજરૂરી આવાગમન સીમિત રાખવા સાથે, સત્વરે વેકસીન લઈ સુરક્ષિત થઈ જવાનો પણ અનુરોધ કરાયો છે.

Next Story
Share it