-
ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું કરાયું વિભાજન
-
વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ વિસ્તારના લોકોમાં નારાજગી
-
ધાનેરા વિસ્તારના યુવાઓ પહોચ્યા પાલનપુર કલેક્ટર કચેરી
-
રેલી સ્વરૂપે પહોચી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાય
-
ધાનેરા તાલુકાનો બનાસમાં જ સમાવેશ રાખવા અંગે માંગ કરી
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ધાનેરા વિસ્તારના યુવાઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોચી આવેદન પત્ર આપી ધાનેરા તાલુકાનો બનાસમાં જ સમાવેશ રાખવા માટેની માંગ કરી હતી.
બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને તાલુકા ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં વાવ-થરાદને અલગ જિલ્લો જાહેર કરી સરહદી વિસ્તારના તાલુકાઓ તેમજ ધાનેરા-કાંકરેજ તાલુકાનો થરાદ-વાવમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે ધાનેરા વિસ્તારના લોકો છેલ્લા 2 દિવસથી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં યુવાઓ પાલનપુર કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, અને સૂત્રોચાર કરીને પોતાને બનાસકાંઠામાં જ સામેલ રાખવા માટેની ઉગ્ર માંગ કરી હતી.
ધાનેરા વિસ્તારના લોકોનું કહેવું છે કે, ધાનેરાના લોકોએ ક્યારેય થરાદ જોયું નથી. ધાનેરા વિસ્તારના લોકો વ્યવસાય અને સમાજથી પાલનપુર સાથે જોડાયેલા છે, ત્યારે ધાનેરા તાલુકાને પાલનપુર એટલે કે, બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ ધાનેરાના લોકો કરી રહ્યા છે. ધાનેરાના છેવાડે આવેલા વાછોલ, બાપલા સહિતના ગામો થરાદથી 100 કિલોમીટર જેટલા દૂર છે, ત્યાં સુધી વાહનો મળવા પણ મુશ્કેલ બને છે, ત્યારે ધાનેરાને થરાદમાં સામેલ કરવામાં આવે તો સુવિધાઓ ઓછી અને દુવિધાઓ વધુ થઈ શકે છે.
તો બીજી તરફ, રાજ્ય સરકાર પોતાના નિર્ણય ઉપર ફેર વિચારણા કરીને ધાનેરા તાલુકાને બનાસમાં જ સામેલ રાખે તેવી માંગ સાથે ધાનેરા વિસ્તારના યુવાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે ધાનેરાના સ્થાનીકોએ આવેદન પત્ર આપી ધાનેરા તાલુકાનો બનાસમાં જ સમાવેશ રાખવામાં આવે તેવી માંગ કરી હતી. જો આગામી દિવસોમાં સરકાર આ અંગે નિર્ણય નહીં લેતો ગાંધીચીધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ધાનેરાના યુવાઓએ ચીમકી ઉચ્ચારી છે.