કચ્છ જીલ્લામાં મેઘરાજાએ ભારે રમઝટ જમાવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે અંજારના મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો શાળાએ પહોચી શક્યા ન હતા. જોકે, એક જ દિવસમાં અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં ખુશીની લહેર છવાય ગઈ છે.
બંગાળની ખાડીમાં ફરી સર્જાયેલા લો-પ્રેશરના કારણે ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ જીલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, ત્યારે તેની અસરના ભાગરૂપે કચ્છમાં પણ વરસાદી માહોલ છવાયો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ભુજ, માંડવી અને ભચાઉમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. મુન્દ્રા અને ગાંધીધામમાં પણ સાડા ત્રણ ઇંચ, તો અબડાસામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. આઉપરાંત નખત્રાણા, લખપત અને રાપરમાં પણ વરસાદી ઝાપટા આવ્યા હતા.
અંજારમાં ભારે વરસાદના કારણે મોટી સમસ્યા સર્જાય હતી. શાળાએ જવાના માર્ગ પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાએ પહોંચી શક્યા ન હતા. તો સાથે જ એક ટ્રક અને શાળાએ જતો છકડો પણ કીચડમાં ફસાયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો એપી.એમ.સી.માં પણ પાણી ભરાતા વેપારીઓને પણ ભારે હાલાકી પડી હતી. જોકે, એક જ દિવસમાં અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં ખુશીની લહેર છવાય ગઈ છે.