ખાતર માટે ખેડૂતોનો સંઘર્ષ
ખાતર ડેપો પર લાગી લાંબી કતાર
કલાકો સુધી ખાતર માટે પળોજણ
ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ
અપૂરતા ખાતરથી સર્જાઈ વિકટ પરિસ્થિતિ
છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછત ઉભી થતા ખાતરના ડેપો ઉપર મોડી રાત્રીના સમયથી લાંબી કતારો લાગી હતી. કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં ખાતર મેળવવા માટે મોડી રાતના સમયથી ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી કતારમાં ઉભા રહ્યા હતા. ખાતર ડેપો ઉપર ખેડૂતો ખાતર મેળવવા માટે લાઈન તોડી ધક્કા મુક્કી પર પણ આવી ગયા હતા. મોડી રાત્રીના સમયથી ભૂખ્યા તરસ્યા ઊભેલા કેટલાક ખેડૂતોને ખાતર મળ્યું છે તો કેટલાક લોકો તેમને ખાતર મળે તેવી આશા સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈને ડાંગરની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.જે નુકસાનનું વળતર પણ મળ્યું નથી,તેવું ખેડૂતોનું કહેવું છે.
છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે ખાતર આવ્યું હોવાની જાણ ખેડૂતોને થતા જ ખાતર મેળવવા માટે દોડી તો આવ્યા છે,પણ તમામને ખાતર નહીં મળે તે વાસ્તવિકતા છે.ખાતર ડેપોના મેનેજરનું પણ કહેવું છે કે ખાતર પૂરતા પ્રમાણમાં આવ્યું નથી. સરકારમાં તેમને એડવાન્સ પૈસા પણ જમા કરાવ્યા છે,પરંતુ ખાતર પૂરતા પ્રમાણમાં મોકલવામાં આવતું નથી.લગભગ 44 ગામના ખેડૂતો ખાતર લેવા આવ્યા છે,પરંતુ તમામ ખેડૂતોને ખાતર નહીં મળવાની વાત પણ મેનેજર જણાવી રહ્યા છે.