-
ગુજરાતની વિકાસયાત્રાને શિખર પર પહોંચાડવા ચિંતન-મંથન
-
રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન
-
શિબિર દરમ્યાન ઇકો ઝોન-વિવિધ મુદ્દે AAPની હતી રજૂઆત
-
AAP નેતા પ્રવીણ રામ અને ખેડૂતો તાલાલા ખાતે એકઠા થયા
-
રજૂઆત પૂર્વે પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરાય
ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર દરમ્યાન ઇકોઝોન સહિતના વિવિધ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવા માટે આપના નેતા પ્રવીણ રામ તેમજ ખેડૂતો તાલાલા ખાતે એકઠા થયા હતા. જોકે, તેઓની રજૂઆત પૂર્વે જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહી છે, ત્યારે આ ચિંતન શિબિરમાં પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવી આપ નેતા પ્રવીણ રામે ઇકોઝોન, અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય તેમજ ટોલ ટેક્સના નામે પ્રજા સાથે કરવામાં આવતી લૂંટ મુદ્દે ચિંતન કરવા સમય માંગ્યો હતો.
પ્રવીણ રામે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જો મુખ્યમંત્રી સમય ન ફાળવે તો ખેડૂતો સાથે ચિંતન શિબિરમાં ઘુસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, ત્યારે ચિંતન શિબિરમાં ઈકોઝોન સહિતના મુદ્દે ચિંતન માટે આહવાન કરનાર આપના નેતા પ્રવીણ રામ સહિત અસંખ્ય ખેડૂતો રજૂઆત કરવા માટે પહોચતા તાલાલા ખાતે પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી.
આ મામલે પ્રવિણ રામે જણાવ્યુ હતું કે, ડરી ગયેલી સરકારે ભાજપના ઈશારે પોલીસને આગળ ધરી અમોને ન્યાયિક રજૂઆત કરતા અટકાવ્યા છે. ઉપરાંત આ ચિંતન શિબિર નહીં, જલસા શિબિર હતી. મુદ્દાઓનું ચિંતન કરવાના બદલે ઘોડા અને હાથીની સવારી તેમજ મોર્નિંગ વોક જોવા મળી હોવાનો આપ નેતા પ્રવીણ રામે આક્ષેપ કર્યો હતો.