Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મનપાની ચુંટણીમાં 54 ટકા મતદાન, શું ઓછું મતદાન બગાડશે સમીકરણો ?

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીના કારણે રાજકીય માહોલ બરાબર જામ્યો છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે 54 ટકા મતદાન થયું છે.

X

રાજયના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીના કારણે રાજકીય માહોલ બરાબર જામ્યો છે. રવિવારે મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે 54 ટકા મતદાન થયું છે. મતદારોની પસંદગી ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી રહી તે થોડા જ કલાકોમાં આપણને ખબર પડી જશે. મંગળવારે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે.

પાટનગર ગાંધીનગરની ચુંટણી પર સમગ્ર દેશની નજર રહેલી છે. સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મેળવ્યાં બાદ આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મહા નગરપાલિકાની ચુંટણીમાં પુરી તાકાતથી ઝંપલાવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે રવિવારના રોજ મતદાન કરાવવામાં આવ્યું હતું. સાંજે છ વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 67 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે જો કે ભાજપ ગાંધીનગર મહા નગર પાલિકા કબજે કરશે તેમ આત્મવિશ્વાસ સાથે જણાવી રહયું છે. રાજયમાં ભાજપએ મુખ્યમંત્રી તથા મંત્રીમંડળને બદલી કરેલા મેકઓવર બાદ આ પ્રથમ ચુંટણી છે. ચુંટણીના પરિણામો ભાજપે કરેલો પ્રયોગ સફળ રહયો છે કે નિષ્ફળ તે પણ બતાવશે ત્યારે મંગળવારના રોજ થનારી મતગણતરીએ લોકોમાં ભારે ઉત્કંઠા જગાવી છે. 11 વોર્ડની 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં 44 ભાજપ, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે. ગાંધીનગરના મતદારોએ આ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા જીતવા માટે ભાજપે મંત્રીઓ તથા આગેવાનોની ફોજ ઉતારી દીધી હતી. ગાંધીનગરમાં ભાજપનું કમળ ખીલે છે કે કોંગ્રેસનો પંજો કે પછી આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળે છે તે જાણવા માટે આપણે હવે થોડા જ કલાકો સુધી રાહ જોવી પડશે. હવે જોઇશું વોર્ડ વાર મતદાનની ટકાવારી

વોર્ડ ટકાવારી

01 - 60.87

02 - 59.74

03 - 48.66

04 - 56.44

05 - 35.86

06 - 46.09

07 - 61.76

08 - 49.27

09 - 47.49

10 - 47.45

11 - 56.87

Next Story