નાણામંત્રીએ પાંચમી વખત બજેટ કર્યું રજૂ
કનુ દેસાઈએ સૌથી મોટું બજેટ રજૂ કર્યું
રૂ.4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું
ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીની પણ જાહેરાત
ટેકનોલોજી સહિતની યોજનાઓ પર ભાર મુકાયો
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ 2026-27માં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું.અને ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા 4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું,દસ વર્ષમાં રાજ્યના બજેટમાં ધરખમ વધારો નોંધાયો છે.
ગુજરાત બજેટ 2026ની મુખ્ય જાહેરાતોમાં નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા 50 નવા ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતમાં નવી 2 હજાર આંગણવાડીઓના નિર્માણ અને માળખામાં વધારો કરવામાં આવશે, PM આવાસ,ડો.આંબેડકર,પંડિત દિનદયાળ,હળપતિ આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે જાહેરાત કરાઈ છે,જ્યારે SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા અઢી લાખ રૂપિયાથી વધારીને રૂપિયા 6 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગરમાં અત્યાધુનિક ડિજિટલ લાયબ્રેરી અને આદિજાતિ વિસ્તારોના 15 તાલુકામાં 'ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી' બનાવવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે.વધુમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સીટી તથા કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.આમ આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.