ગાંધીનગર ખાતે રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શપથવિધિ યોજાય
સૌથી પહેલા હર્ષ સંઘવીએ ના. મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા
તમામ મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ ગ્રહણ કર્યા
મંત્રીમંડળમાં સ્થાન મળતા પરિવારજનો-સમર્થકોમાં ભારે ઉત્સાહ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન કરવામાં આવી હતી. જેમાં હર્ષ સંઘવીએ સૌથી પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા, જ્યારે નવા મંત્રીમંડળના અન્ય મંત્રીઓએ પણ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ ગ્રહણ કર્યા હતા.
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા છે. હર્ષ સંઘવીએ સૌથી પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા હતા.
તો બીજી તરફ, કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 6 મંત્રીને રિપીટ કરાયા છે, જ્યારે 19 નવા ચહેરાને સ્થાન અપાયું છે. જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તેઓના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી રહી છે. હાલ રાજ્યભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.