ગીર સોમનાથ: સરકારી જમીન પર રિસોર્ટ ઉભુ કરનાર તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ગીર સોમનાથ જિલ્લાના હડમતિયા ગીરમાં એક તબીબે વનવિભાગની સરકારી જમીન પર આલિશાન સુવિધાઓ સાથેનું રિસોર્ટ બનાવી કોમર્શિયલ ઉપયોગ શરૂ કરતા તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

ગીર સોમનાથ જિલ્લાના હડમતિયા ગીરમાં એક તબીબે વનવિભાગની સરકારી જમીન પર આલિશાન સુવિધાઓ સાથેનું રિસોર્ટ બનાવી કોમર્શિયલ ઉપયોગ શરૂ કરતા તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તબીબ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થતા સરકારી જમીન દબાવી લેનારાઓના ફફડાટ ફેલાયો છે. તાલાલા ખાતે હડમતીયા ગીરની સર્વે નંબર 239 ની જમીન જંગલ ખાતા હસ્તક છે.
જમીન ની બાજુમાં ઉનાના ડોક્ટર રસિક વઘાસિયાની સર્વે નંબર 238 જમીન આવેલી છે ડોક્ટર રસિક વઘાસિયાએ અથિઝ રિસોર્ટ બનાવ્યું છે અને આ રિસોર્ટમાં જંગલ ખાતાની જમીન સર્વે નંબર 239 ઉપર મોટા પાયે દબાણ કરવામાં આવ્યું જેની જાણ જંગલ ખાતાને થતા તેમને અનેક વાર નોટિસ આપવામાં આવી પણ કોઈ જવાબ ના આપતા આરએફઓ બિમલ ભટ્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સર્વે નં.233 ના માલિક દ્વારા ફી ભરી જમીન સયુંકત માપણી કરાવી તેમાં પણ દબાણવાળી જમીન વનવિભાગની માલિકીનું હોવાનું ફલિત થવા છતાં પણ ડો.વઘાસિયાએ વનવિભાગની દબાણવાળી જમીન ખુલ્લી કરવાના બદલે વનવિભાગની જમીનમાં બનાવે અથિઝ રિસોર્ટના 28 રૂમ,એક કોન્ફરન્સ હોલ,સ્વિમિંગ પુલ,ગોડાઉન નો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ ચાલુ રાખતા તાલાલા તાલુકાના સ્થાનિક પ્રશાસન કચેરીના અધિકારીઓ તથા દબાણવાળી જમીન માપણી ગીરની નકલ સાથે ગીર-સોમનાથ જીલ્લા કલેકટરને ગુજરાત જમીન પચાવી પાડવા પર વિધેયક-2020 હેઠળ વન વિભાગે કાર્યવાહી કરવા દરખાસ્ત કરેલ હતી.ગીર સોમનાથ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં થયેલ નિર્ણય અંતર્ગત ડો.વઘાસીયા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવા જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યું આર.એફ.ઓ.એ ફરિયાદમાં જણાવેલ છે.ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર(પ્રતિબંધ) વિધેયક-2020 કાયદો અમલમાં આવ્યા બાદ લેન્ડ ગ્રેબિંગ હેઠળ તાલાલા પંથકમાં પ્રથમ ગુનો દાખલ થયો છે.