-
ઉના શહેરમાં બની હત્યાની ઘટના
-
યુવકે ગળામાં પહેરેલી ધાતુની ચેન બની મોતનું કારણ
-
સોના જેવી લાગતી ચેનની લૂંટમાં થઇ યુવકની હત્યા
-
મિત્રએ જ મિત્રને પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો
-
પોલીસે કરી આરોપીની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે,યુવકે ગળામાં ખોટી ચેન પહેરી હતી,જે સોનાની સાચી ચેન હોવાનું માનીને લૂંટના ઇરાદે હત્યારાએ યુવકને મચ્છર મારવાના પ્રેસથી બેહોશ કરી દઈ પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.જે ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના અંજાર રોડ પર નજીકના પટમાં એક વ્યક્તિનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે સ્થળ તપાસ કરતા પથ્થરના ઘા મારી જીતુ સોલંકી નામના યુવાનનું મોત નીપજાવ્યાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે વિવિધ ટીમો બનાવી અને શહેરના વિવિધ સીસીટીવી અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો,જેમાં પોલીસે ઉનાના જ નવાઝ અઝીમ કચરા નામના યુવકની અટકાયત કરીને સઘન પૂછપરછ કરી હતી.અને પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.
ચ્હાની લારી ધરાવતા જીતુ સોલંકી પોતાના ગળામાં સોના જેવી ધાતુની ચેન પહેરતા હોય તેને લૂંટવાના ઇરાદે નવાઝ કચરાએ નદીના પટમાં જીતુને મચ્છર મારવાના પ્રેસથી બેહોશ કરીને તેમને મોટા બે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો,અને આ ધાતુની ચેનની લૂંટ ચલાવી હતી,તેમજ આ ચેન આરોપી સોનીને વેચવા જતા સોનીએ આ દાગીનાનું બિલ માગ્યું હતું,જેના કારણે આરોપી નવાઝ કચરા શંકાના દાયરામા આવી ગયો હતો.પોલીસે હાલ આરોપી નવાઝ કચરાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.