Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : નરસિંહ મહેતાની નગરીની મુલાકાતે રાજયપાલ, ભારે પવનના કારણે રોપ-વેમાં ન બેસી શકયાં

રાજયપાલ આચાર્ય દેવવ્રતે લીધી જુનાગઢની મુલાકાત, ભારે પવન ફુંકાતો હોવાથી 3 દિવસથી રોપવે સેવા છે બંધ.

X

રાજયપાલ આચાર્ય દેવવ્રત ગુરૂવારના રોજ જુનાગઢની મુલાકાતે હતાં. તેમણે નરસિંહ મહેતાની નગરીના પ્રાચીન સ્થાપત્યોને નિહાળ્યાં હતાં પણ ભારે પવનના કારણે તેઓ રોપ-વેમાં બેસી અંબાજી મંદિર ખાતે દર્શન કરવાની ઇચ્છા પુરી કરી શકયાં ન હતાં.

રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુરૂવારે જુનાગઢની મુલાકાત લીધી હતી. તેમણે ઉપરકોટ કિલ્લાના નવીનીકરણ સહિતની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે જુનાગઢની આગવી ઓળખ સમાન સ્થાપત્યોને નિહાળ્યાં હતાં. રાજયપાલ તથા તેમના પરિવારે રાણક મહેલ, અડી કડી વાવ, નવઘણ કુવો અને અનાજના ભંડારની મુલાકાત લીધી હતી. તેઓ નરસિંહ મહેતાની નગરીને જોઇ અભિભુત થયાં હતાં. પ્રાચીન ધરોહર નું રિસ્ટોરેશન કરવા બદલ રૂપાણી સરકારને અભિનંદન આપ્યાં હતાં. દિવસ દરમિયાન તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

હવે વાત કરીશું રાજયપાલના પ્રવાસમાં નડેલા પવનના વિધ્નની... ગિરનારની ગિરીમાળામાં હાલ 90 કીમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફુંકાય રહયો છે. ઝડપી વાયરા વાતા હોવાથી છેલ્લા 3 દિવસથી રોપ- વે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર આવેલાં અંબાજી માતાજીના પરિસરમાં પણ પવનના કારણે દુકાનોના પડદા ફાટી ગયાં છે. પવન અને વરસાદથી બચવા પ્રાણીઓ પણ દોડધામ કરતાં જોવા મળી રહયાં છે. ગુરૂવારના રોજ જુનાગઢની મુલાકાતે આવેલાં રાજયપાલ રોપ-વેમાં બેસી અંબાજી માતાજીના દર્શને જવાની મહેચ્છા ધરાવતાં હતાં પણ તેમની આ ઇચ્છા પુરી થઇ શકી ન હતી.

Next Story