-
સ્થાનિક સ્વરાજની યોજાઈ રહી છે ચૂંટણી
-
મતાધિકારનો ઉપયોગ કરતા દુલ્હા-દુલ્હન
-
લગ્નવિધિ પહેલા કર્યું મતદાન
-
લગ્નબંધનથી બંધાતા પહેલા રાષ્ટ્રપ્રેમની ફરજ નિભાવી
-
અન્ય લોકોને પણ મતદાન કરવા માટે કરી અપીલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે.સવારના 7 વાગ્યાથી જ લોકો મતદાન કરી રહ્યા છે.આજે ઘણા લગ્નના પ્રસંગો પણ છે.ત્યારે મતદાન બુથ પર લગ્ન પહેલા વરરાજા અને કન્યા મતદાન કરતા જોવા મળ્યા હતા.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારના 7 કલાકથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે,જોકે હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે,ત્યારે દુલ્હા અને દુલ્હન દ્વારા લગ્નવિધિ પહેલા મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી.
ભરૂચ જિલ્લાના આમોદના ભીમપુરા ગામે વરરાજાએ મતદાન કર્યું હતું, જેમાં વરરાજા કિરણ પ્રજાપતિએ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું,આછોદ જિલ્લા પંચાયતની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.ત્યારે કિરણ પ્રજાપતિએ લગ્નવિધિ પહેલા મતાધિકરનો ઉપયોગ કરીને ચૂંટણી ઉત્સવમાં સહભાગી બન્યા હતા.
જ્યારે પાટણ જિલ્લામાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ મતદાન કર્યું હતું.રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં વરરાજાએ મતદાન કરી પોતાના લગ્ન માટે રવાના થયા હતા.વરરાજાએ મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.
નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્નમંડપથી સીધા મતદાન બુથ પર આવીને મતદાન કર્યું હતું. લગ્નના બંધનમાં બંધાયએ પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે. મતદાન બાબતે અતિ જાગૃતતા દર્શાવી યુવતીએ પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો હતો.
ભાવનગર જિલ્લાના મહાનગરપાલિકાના વડવા બ વોર્ડ નંબર 3ની એક બેઠક પરની પેટા ચૂંટણી યોજાઈ રહી છે.જેમાં લગ્નગ્રંથીથી જોડાય એ પહેલા દુલ્હન પરિતા વિનોદભાઇ બાબરીયાએ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું,અને મતદાનએ પવિત્ર ફરજ છે જેને પ્રાધાન્ય આપતા દુલ્હને લગ્ન મંડપમાં પહોંચતા પહેલા એક નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી,અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.